સુરતમાં 'ધીમા ઝેર'ના નેટવર્કનો પર્દાફાશ: 'સુરભિ ડેરી'ના 2 યુનિટમાંથી ₹3 લાખનું 955 કિલો શંકાસ્પદ પનીર જપ્ત
Surat paneer scam: ડેરીના માલિકે નકલી પનીર બનાવવાની કબૂલાત કરી; ગ્લેશિયલ એસેટિક એસિડના ઉપયોગની આશંકા, આરોગ્ય વિભાગ સતર્ક.

Surat paneer scam: સુરત મહાનગરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના ઉપરાછાપરી કિસ્સાઓ વચ્ચે, ખટોદરા સ્થિત જાણીતી 'સુરભિ ડેરી'ના બે યુનિટ પર દરોડા પાડીને પોલીસે નકલી પનીરના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) અને મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત ₹3,02,139 આંકવામાં આવી છે. સૌથી ગંભીર બાબત એ છે કે ડેરીના સંચાલકે પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલ્યું કે આ પનીર નકલી હતું અને તે રોજેરોજ આશરે 200 કિલો નકલી પનીર બજારમાં ઠાલવતા હતા. આ નકલી પનીર બનાવવા માટે 'ગ્લેશિયલ એસેટિક એસિડ' જેવા ગંભીર નુકસાનકારક કેમિકલનો ઉપયોગ થતો હોવાની આશંકા છે, જેના કારણે કેન્સર અને ચામડીના રોગો જેવી બીમારીઓ થવાનો ખતરો છે.
સુરતમાં નકલી પનીરનું મોટું નેટવર્ક પકડાયું
ગુજરાતમાં એક બાજુ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ મુદ્દે આકરી કાર્યવાહીનો સૂર આલાપ્યો છે અને વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભેળસેળિયાઓ સામે પાસા (555) હેઠળ કાર્યવાહીની માંગણી કરી છે. ત્યારે જ સુરતમાં નકલી ઘી અને પનીરની બૂમ અકબંધ હોય એમ ખટોદરાની 'સુરભિ ડેરી'માંથી મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયો છે. આ ઘટના બાદ પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સતર્ક થઈ ગયા છે.
SOG અને ફૂડ વિભાગના સંયુક્ત દરોડા
સુરત SOGના ડીસીપી રાજદીપસિંહ નકુમને બાતમી મળી હતી કે શહેરમાં કેટલાક તત્ત્વો નકલી ડેરી ઉત્પાદનો વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યાં છે. આ બાતમીના આધારે SOGની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગના અધિકારીઓને સાથે રાખીને 'સુરભિ ડેરી' પર તવાઈ બોલાવી હતી, જે મૂળ અડાજણની હોવાનું જાણવા મળ્યું છે. સૌપ્રથમ સુરતના ખટોદરા પોલીસ હદ વિસ્તારમાં, આઈ.એન.એસ. હોસ્પિટલની પાછળ આવેલા સોરઠિયા કમ્પાઉન્ડમાં, દુકાન નંબર 434 ખાતેના વિતરણ કેન્દ્ર (ગોડાઉન) પર દરોડો પાડવામાં આવ્યો હતો.

ખટોદરા અને ઓલપાડ યુનિટ પર કાર્યવાહી
ખટોદરાના ગોડાઉન પર દરોડા સમયે ડેરીના સંચાલક શૈલેષ છગનભાઈ પટેલ હાજર મળ્યા હતા. પોલીસે જ્યારે ગોડાઉનની તલાશી લીધી ત્યારે ત્યાંથી 755.621 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો, જેની અંદાજિત કિંમત ₹1,81,343 આંકવામાં આવી છે. આ પનીર પ્લાસ્ટિકના પેકિંગમાં વેચાણ માટે તૈયાર રખાયું હતું. પોલીસે શૈલેષભાઈની કડકાઈથી પૂછપરછ કરતાં, તેમણે કબૂલ્યું કે આ તમામ જથ્થો વેચાણ માટે તેમના મુખ્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ, જે ઓલપાડના સાયણ ખાતે આવેલું છે, ત્યાંથી મગાવવામાં આવ્યો હતો.
ખટોદરાથી મળેલી માહિતીના આધારે SOGની ટીમ, ફૂડ સેફ્ટી ઓફિસર અને ઓલપાડ પોલીસને સાથે રાખીને તાત્કાલિક ઓલપાડ તાલુકાના સાયણ ખાતે લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 1, 2, અને 3 પર ધસી ગઈ હતી, જે 'સુરભિ ડેરી'નું મુખ્ય ઉત્પાદન કેન્દ્ર હતું. ફેક્ટરી પર દરોડા સમયે, ડેરીના ભાગીદાર અને મુખ્ય સંચાલક કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ હાજર મળ્યા હતા. બંને યુનિટ પરથી મળીને પોલીસે કુલ 955 કિલો શંકાસ્પદ પનીર અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની કુલ કિંમત ₹3,02,139 છે.

નકલી પનીરમાં ખતરનાક એસિડનો ઉપયોગ
આ રેડમાં સૌથી ગંભીર ખુલાસો થયો છે. ફેક્ટરીમાંથી પનીર બનાવવા માટે વપરાતું 7 લિટર 'ગ્લેશિયલ એસેટિક એસિડ' (અંદાજિત કિંમત ₹490) પણ મળી આવ્યું હતું. આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે. આ ડેરી રોજેરોજ આશરે 200 કિલો નકલી પનીર બજારમાં ઠાલવતી હતી, જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે ₹250 થી ₹270 પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું. આનાથી સ્પષ્ટ થાય છે કે હજારો સુરતીઓ અજાણતા જ આ નકલી પનીર ખાઈને પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી રહ્યા હતા, જેના કારણે કેન્સર અને ચામડીના રોગ સહિતની બીમારીઓ થવાનો ખતરો છે.
લેબોરેટરી રિપોર્ટ અને પોલીસની ચેતવણી
ફૂડ સેફ્ટી ઓફિસરોએ બંને સ્થળથી પનીર, દૂધ, બટર અને એસિડ સહિતના તમામ શંકાસ્પદ પદાર્થોનાં સેમ્પલ લીધાં છે. આ તમામ સેમ્પલને સીલ કરીને તપાસણી અર્થે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યાં છે. લેબોરેટરી રિપોર્ટ પર જ આગળની કાયદાકીય કાર્યવાહીનો દારોમદાર રહેશે. ડીસીપી રાજદીપસિંહ નકુમે ચેતવણી આપી છે કે, સુરતમાં જે પણ ખાદ્ય પદાર્થ નકલી બનાવી રહ્યા છે, તેમની પર પોલીસ સતત વોચ રાખી કાર્યવાહી કરશે. લોકોને આરોગ્ય સાથે ચેડાં કરનારાઓને નહીં છોડવામાં આવે અને વારંવાર પકડાશે તેની સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસનું અભિયાન અને અપીલ
સુરત પોલીસે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં પદાર્થો બનાવનાર સામે અભિયાન છેડ્યું છે. આગામી દિવસોમાં પોલીસ સામાન્ય વ્યક્તિ બનીને રેસ્ટોરન્ટ, કેટરર્સ અને લગ્ન પ્રસંગોમાં પણ રેડ કરશે. પોલીસની સ્પષ્ટ ચેતવણી છે કે જે પણ અખાદ્ય પદાર્થો બનાવતા હોય તેઓ અત્યારથી જ આ પ્રવૃત્તિઓ બંધ કરી દે. આમ, સુરતમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સતર્ક થઈ ગયા છે અને આ ધીમા ઝેરના નેટવર્કને તોડી પાડવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.





















