Surat: મધ્યપ્રદેશની કુખ્યાત "પારઘી" ગેંગના આરોપીને પકડવા સુરત પોલીસે દિલ્લીમાં ફુગ્ગા વેંચી પાડ્યો ખેલ
સુરત: પોલીસ આરોપીઓને પકડવા નીત નવી ટ્રીક વાપરતી હોય છે. ક્યારેક રિક્ષાવાળા, ક્યારેક મજુર તો ક્યારેક ફુગ્ગાવાળા બનીને આરોપીને દબોચતા હોય છે.
સુરત: પોલીસ આરોપીઓને પકડવા નીત નવી ટ્રીક વાપરતી હોય છે. ક્યારેક રિક્ષાવાળા, ક્યારેક મજુર તો ક્યારેક ફુગ્ગાવાળા બનીને આરોપીને દબોચતા હોય છે. ઘરફોડ ચોરીના ગુનામાં મધ્યપ્રદેશની કુખ્યાત ”પારઘી” ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જેમાં પોલીસે ફુગ્ગાવાળા બનીને શખ્સને દબોચ્યો હતો.
આ અંગે વિગતે વાત કરીએ તો, સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલ ભટાર સ્થિત ઠાકોર પાર્ક સોસાયટીના મકાનમાં ગત 28મી જુલાઈના રોજ ઘરફોડ ચોરીની ઘટના બની હતી.જગદીશ સુખાભાઈ આહીરના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી બંધ મકાનના બેડરૂમમાં રહેલા કબાટમાંથી સોનાના અલગ અલગ ઘરેણાં,કાંડા ઘડિયાળ,મોબાઈલ તેમજ 5.54 લાખની રોકડ રકમ સહિત 11.36 લાખની મત્તા પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.
ઘટનાના પગલે ખટોદરા પોલીસે મકાન માલિક જગદીશ સુખાભાઈ આહિરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા ખટોદરા પોલીસની જુદી જુદી ટીમો કામે લાગી હતી. આ દરમ્યાન પોલીસે ઘટના સ્થળથી લઈ અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી. આ દરમ્યાન ઘટના બની તે સમયના એક્ટિવ મોબાઈલ નંબરો ટ્રેસ કરવામાં આવ્યા હતા. જે પૈકી એક મોબાઈલ નંબરનું લોકેશન મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં આવેલ બાબા કા ખેજરા તાલુકાના કનેરી ગામનું મળી આવ્યું હતું.
જેના આધારે ખટોદરા પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ ખાતે ગઈ હતી. મધ્યપ્રદેશનું કનેરી ગામ કુખ્યાત આરોપીઓના નામે જાણીતું હોવાથી પોલીસે ખૂબ જ સાવધાનીપૂર્વક અહીં વર્કઆઉટ કર્યું હતું. મોબાઈલ નંબરના આધારે પોલીસ આરોપીઓના પરિજનો સુધી પહોંચી હતી, જ્યાંથી આરોપીઓ માહિતી કઢાવવામાં પોલીસને જે તે સમયે સફળતા મળી હતી. જો કે સતત આરોપીઓના વોચમાં રહેવા છતાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નહોતી.જેથી ખટોદરા પોલીસની ટીમને પરત ફરવાની ફરજ પડી હતી.
જ્યાં આ વખતે ખટોદરા પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે ભટાર ખાતે થયેલ લાખોની ઘરફોડ ચોરીની ઘટનામાં મધ્યપ્રદેશની કુખ્યાત”પારઘી”ગેંગનો હાથ છે અને આ ગેંગના મુખ્ય આરોપી સહિતના સાગરીતો દિલ્લી સ્થિત ખજૂરી ચાર રસ્તા નજીક લાગેલ મેળા બહાર પોતાના પરિજનોને મળવા આવવાના છે. જે માહિતીના આધારે ખટોદરા પોલીસે તાત્કાલિક ટીમો બનાવી દિલ્લી ખાતે રવાના કરી હતી. અહીં મુખ્ય આરોપી સહિતના સાગરીતો પોલીસ ઉપર પણ હુમલો કરવામાં કુખ્યાત હોવાના કારણે ખટોદરા પોલીસની ટીમે પણ ખૂબ જ સતર્કતાપૂર્વક ઓપરેશન હાથ ધર્યું હતું.
જ્યાં પોલીસ જવાનોઓ “ફુગ્ગાનું વેચાણ કરતા ફેરિયાનો વેશ ધારણ કરી આરોપીઓની સતત વોચમાં રહી હતી. દિલ્લી સ્થિત ખજૂરી ચાર રસ્તા નજીક લાગેલ મેળાની બહાર જ ફૂટપાથ પર રહી પોલીસ માણસોએ ફુગ્ગા વેચી આરોપીઓને ઝડપી પાડવા અથાગ મહેનત કરી હતી.આ માટે પોલીસ માણસોએ 700 રૂપિયાના ફુગ્ગાની ખરીદી કરી હતી અને ફેરિયાનો વેશ ધારણ કરી ફુગ્ગાનું વેચાણ કર્યું હતું. આ વચ્ચે પોતાના પરિજનોને મળવા આવી પહોંચેલા અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ “પારઘી”ગેંગના મુખ્ય આરોપી અભય ઉર્ફે અક્ષય મોહન સોલંકીને દબોચી લીધો હતો અને સુરત લાવવામાં આવ્યો હતો.
ખટોદરા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દિવસ દરમ્યાન શહેરી વિસ્તારોમાં ફુગ્ગા અને રમકડાં વેચવા પોતાની મહિલાઓ જોડે ફરી જે તે મકાનોની રેકી કરે છે. લગ્નપ્રસંગ હોય તેવા મકાનોની બહાર ફુગ્ગા અને રમકડાં વેચવાના બહાને મકાનોની રેકી કરી ત્યારબાદ રાત્રીના સમયે પારઘી ગેંગના તમામ સાગરીતો ટાર્ગેટ કરેલા મકાનોને નિશાન બનાવે છે.જેમાં ભટાર ખાતે આવેલ ઠાકોર પાર્ક સોસાયટીના મકાનની પણ આરોપીઓ દ્વારા પહેલા રેકી કરી અને ત્યારબાદ ગુનાને અંજામ આપ્યો હતો.જે ગુનાનો ભેદ હાલ તો પોલીસે ઉકેલી કાઢી “પારઘી”ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.જ્યારે ગુનામાં સામેલ અન્ય આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.પોલીસ તપાસમાં અન્ય ગુના ઉકેલાવાની શકયતા પોલીસે વ્યકત કરી છે.