સુરતમાં હૈવાનિયત! ટ્યુશન ટીચરના પતિએ ધોરણ 3ના છોકરા સાથે કર્યું કુકર્મ! માતાનો ફોન આવ્યો ને ભાંડો ફૂટ્યો...
સાંજના સમયે ટ્યુશન પૂરું થયા બાદ કૃત્ય આચર્યું, પોલીસે તાત્કાલિક ગુનો નોંધી શિક્ષિકાના પતિ વિશ્વનાથ પ્રસાદની ધરપકડ કરી, તપાસ શરૂ.

Surat tuition teacher case: શહેરના પાંડેસરા વિસ્તારમાંથી એક અત્યંત ચિંતાજનક અને શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી જોડે ટ્યુશન ટીચરના પતિ દ્વારા કુકર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પાંડેસરા વિસ્તારમાં એક મહિલા શિક્ષિકા દ્વારા કોચિંગ ક્લાસ ચલાવવામાં આવે છે, જ્યાં ધોરણ ચારમાં આવનાર બાળકો ટ્યુશન માટે આવતા હતા. આ ક્લાસમાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પણ ટ્યુશન માટે જતો હતો.
આ ઘટના સાંજના સમયે બની હતી. વિદ્યાર્થીનો ટ્યુશનનો સમય પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ તે ઘરે પરત ફર્યો ન હતો. આથી ચિંતિત બનેલી બાળકની માતાએ ટ્યુશન શિક્ષિકાને ફોન કરીને પૂછપરછ કરી હતી. શિક્ષિકાએ જણાવ્યું હતું કે તમામ બાળકો ટ્યુશન પૂરું થયા બાદ ઘરે ચાલ્યા ગયા છે.
જોકે, હકીકત કંઈક અલગ જ હતી. આરોપ મુજબ, જ્યારે તમામ બાળકો ઘરે ચાલ્યા ગયા હતા, ત્યારે મહિલા શિક્ષિકાના પતિ વિશ્વનાથ પ્રસાદે આ બાળકને પોતાની નજરકેદમાં રાખ્યો હતો. તેણે બાળકને ઘરની અંદર આવેલા કિચન બાજુના એક અંધારપટ ખૂણામાં લઈ જઈને તેની જોડે કુકર્મ આચર્યું હતું.
માતાના ફોન અને બાળક ઘરે પરત ન ફરતા ઘટનાની ગંભીરતા જણાતા આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. બાળકે બાદમાં પરિવારજનોને પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું.
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સક્રિય થઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલા શિક્ષિકાના પતિ વિશ્વનાથ પ્રસાદ વિરુદ્ધ કાયદેસરની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે.
પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી વિશ્વનાથ પ્રસાદે આ કૃત્ય શા માટે કર્યું, આવા અન્ય કોઈ કિસ્સા બન્યા છે કે કેમ, અને ઘટના સંબંધિત અન્ય પાસાઓ અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઘટનાએ વાલીઓમાં અને વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ સર્જ્યો છે. બાળકોના સુરક્ષિત ભવિષ્ય અને આવા કૃત્યો અટકાવવા માટે સમાજમાં જાગૃતિ અને સુરક્ષાના પગલાં વધુ મજબૂત કરવા જરૂરી છે.





















