(Source: ECI/ABP News/ABP Majha)
શું ખરેખર ભારતીય મસાલોમાં 10 ગણા વધુ જંતુનાશકના ઉપયોગને મંજુરી છે? જાણો FSSAIએ શું કર્યો ખુલાસો
એવરેસ્ટ અને એમડીએચ મસાલા પર વિદેશમાં પ્રતિંબંધ લાગ્યા બાદ આ વિશે જંતુનાશકના યોગ્ય માપદંડ મુદ્દે કેટલાક સમાચાર વાયરલ થયા બાદ FSSAI આ મુદ્દે ખુલાસો કર્યો છે
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તે તમામ મીડિયા અહેવાલોને રદિયો આપ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય ખાદ્ય નિયંત્રક જડીબુટ્ટીઓ અને મસાલાઓમાં નિર્ધારિત ધોરણ કરતાં 10 ગણા વધુ જંતુનાશકો ઉમેરવાની મંજૂરી આપે છે.FSSAIએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે 'આવા તમામ સમાચાર ખોટા અને પાયાવિહોણા છે. ભારતમાં મહત્તમ અવશેષ સ્તર (MRL) એ વિશ્વના સૌથી કડક ધોરણોમાંનું એક છે. જંતુનાશકોના એમઆરએલ તેમના જોખમ મૂલ્યાંકનના આધારે વિવિધ ખાદ્ય સામગ્રી માટે અલગથી નક્કી કરવામાં આવે છે.
કેટલાક જંતુનાશકો માટે મર્યાદા વધારવામાં આવી હતી
જો કે, FSSAI એ સ્વીકાર્યું કે કેટલાક જંતુનાશકો ભારતમાં કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને નોંધણી સમિતિ (CIB&RC) પાસે નોંધાયેલા નથી. તેમના માટે, આ મર્યાદા 0.01 mg/kg થી 10 ગણી વધારીને 0.1 mg/kg કરવામાં આવી હતી.આ માત્ર વૈજ્ઞાનિક પેનલની ભલામણ પર કરવામાં આવ્યું હતું. (CIB અને RC) જંતુનાશકોના ઉત્પાદન, આયાત-નિકાસ, પરિવહન અને સંગ્રહ વગેરેનું નિયમન કરે છે.
ભારતીય મસાલાઓ વિદેશી દેશોમાં પ્રતિબંધ અને તપાસનો સામનો કરી રહ્યા છે
ગયા મહિને સિંગાપોર, હોંગકોંગ અને માલદીવે ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDH મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) પણ કંપનીના મસાલાની તપાસ કરી રહી છે.
FSSAI મસાલા કંપનીઓ અને ફેક્ટરીઓની પણ તપાસ કરી રહી છે
તાજેતરમાં FSSAI એ મસાલા પાવડર બનાવતી કંપનીઓના ઉત્પાદન એકમોનું નિરીક્ષણ, નમૂના લેવા અને પરીક્ષણ કરવાનો પણ આદેશ આપ્યો છે. આ સિવાય ફૂડ રેગ્યુલેટરે કહ્યું છે કે તમામ કંપનીઓના ઉત્પાદનોમાં ઇથિલિન ઓક્સાઈડની હાજરીનું પણ પરીક્ષણ કરવામાં આવશે.
એમડીએચના ત્રણ મસાલામાં વધુ ઇથિલિન ઓક્સાઇડ મળી આવ્યું હતું
હોંગકોંગના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, MDH ગ્રુપના ત્રણ મસાલા મિક્સ - મદ્રાસ કરી પાઉડર, સંભાર મસાલા પાવડર અને કરી પાવડરમાં ઇથિલિન ઓક્સાઈડની ઊંચી માત્રા મળી આવી હતી. આ કાર્સિનોજેનિક જંતુનાશક એવરેસ્ટની ફિશ કરી મસાલામાં પણ મળી આવ્યું છે.