(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara: ભાયલીમાં દુષ્કર્મ કેસમાં પાંચ આરોપીઓ ઝડપાયા, પોલીસે 1000 CCTV કર્યા ચેક
Vadodara: વડોદરાના ભાયલીમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓને પકડવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ જવાબદારી સોંપાઈ હતી
Vadodara: વડોદરાના ભાયલીમાં સગીરા પર સામૂહિક ગેંગરેપના કેસમાં પોલીસને મોટી સફળતા મળી હતી. સૂત્રોએ જાણકારી આપી હતી કે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપમાં સંડોવાયેલા તમામ આરોપીઓને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે. તમામ આરોપીઓની પોલીસે અટકાયત પણ કરી લીધી હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો. બપોર બાદ પોલીસ પ્રેસ કોન્ફરન્સ યોજી સત્તાવાર જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે ચકચારી ગેંગરેપ કેસમાં સરકારે ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી હતી.
વડોદરાના ભાયલીમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓને પકડવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ જવાબદારી સોંપાઈ હતી. વડોદરા શહેર-જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ હતી. ટેક્નિકલ અને સર્વેલન્સની મદદથી તપાસ પણ શરૂ કરાઇ હતી. આરોપીઓનું પગેરૂ મેળવવામાં પોલીસને સફળતા મળી હોવાની જાણકારી મળી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં અંદાજીત 1 હજાર CCTV કેમેરા ચેક કર્યા હતા. 200થી વધુ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓની પૂછપરછ પણ કરી હતી. સગીરા અને પરિવારને આઘાતમાંથી બહાર લાવવા માટે તેમનું કાઉન્સેલિંગ કરાયું હતુ. ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ કહ્યું હતું કે આરોપીઓને દુનિયાના કોઈપણ ખૂણામાંથી શોધી કાઢીશું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસના તમામ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ બપોર બાદ સત્તાવાર જાહેરાત કરી શકે છે. ત્યારબાદ આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન થઈ શકે છે.
વડોદરામાં નવરાત્રિ દરમિયાન બાળપણના મિત્ર સાથે ફરવા નીકળેલી સગીરા પર ગેંગ રેપની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં બે બાઇક પર સવાર પાંચ અજાણ્યા શખ્સોએ આવીને સગીરા અને તેના મિત્ર જોડે માથાકૂટ કરી હતી. આ ઘટના સવારે ચાર વાગ્યે પોલીસ મથક પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા SPના જણાવ્યા મુજબ, સગીરા પોતાના મિત્રને 11.30 વાગ્યે મળી હતી. સ્કૂટી પર બેસીને મિત્ર સાથે ભાયલી ગઈ હતી. બાદમાં રાત્રે 12 વાગ્યે બે બાઈક પર પાંચ લોકો સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે પીડિતા સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. જે બાદ પાંચ પૈકી ત્રણ લોકો સ્થળ પરથી જતા રહ્યા હતા. જ્યારે અન્ય બે આરોપીઓએ ગેંગરેપ કર્યો હતો. આ બનાવ બાદ પીડિતાએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.પોલીસે પુરાવા એકઠા કર્યા હતા. પોલીસના મતે પીડિતા ગરબા રમવા નહોતી જતી. તેણે ગરબાનો ટ્રેડિશનલ ડ્રેસ પણ નહોતો પહેર્યો.
વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના મામલે એસપી રોહન આનંદે નિવેદન આપતા વધુમાં કહ્યું કે, આ પીડિતા ગરબા રમવા નહોતી ગઈ. મિત્ર સાથે ફરવા નીકળી ગઈ હતી. આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવાદેવા નથી. 2 બાઇક પર 5 લોકો આવ્યા હતા. 5 આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા પરપ્રાંતિય છે અને મિત્ર મૂળ વડોદરાનો છે. આરોપીઓ હિન્દી અને ગુજરાતીમાં વાતો કરતા હતા.