પાંચ મૃતકોના નામે 40 લાખ રૂપિયાના કૌભાંડનો આરોપ, મેરાકુવા પહોંચ્યા બરોડા ડેરીના અધિકારીઓ
કેતન ઈનામદારના આરોપ બાદ મંડળીઓની તપાસ શરૂ કરાઇ હતી.

વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (બરોડા ડેરી)માં મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ત્રણ વર્ષ દરમિયાન મૃત સભાસદોના નામે દૂધ ભરીને અંદાજે 40 લાખ રૂપિયાની રકમ ઉપાડવામાં આવી હોવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી પોલીસ તપાસની માંગણી કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં આવેલી મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પાંચ મૃત સભાસદો(પશુપાલક) ના નામે લાખો રૃપિયાની ઉચાપત કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી. ધારાસભ્ય કેતન ઇનામદાર દ્ધારા ગત રોજ ડેસરની દૂધ મંડળી પર કૌભાંડના આરોપ લગાવવામાં આવ્યા હતા.
કેતન ઈનામદારના આરોપ બાદ મંડળીઓની તપાસ શરૂ કરાઇ હતી. બરોડા ડેરીના મેનેજર સહિતના કર્મચારીઓ પહોંચ્યા મેરાકુવા ગામ પહોંચ્યા હતા અને મેરાકુવા ગામની ડેરીમાં થયેલા કૌભાંડની તપાસ શરૂ કરી હતી. ડેરીની ટીમ મૃતક સભાસદોના પરિવાર સાથે ચર્ચા કરશે. તેઓ ડેરીમાં જમા થયેલા દૂધની વિગતો અને ચૂકવાયેલા નાણાંનો હિસાબ ચેક કરશે. તપાસ કર્યા બાદ મેનેજર સમગ્ર રિપોર્ટ બરોડા ડેરીને સોંપશે.
બરોડા ડેરીના મેનેજર સહિતના અધિકારીઓ મેરાકુવા દૂધ મંડળી પહોંચ્યા હતા. મેરાકુવા દૂધ મંડળીના પ્રમુખ, મંત્રી, સુપરવાઈઝર પર કૌભાંડના આરોપ લાગ્યા છે. મૃતક સભાસદોના નામે રૂપિયા જમા કરાવી ચાંઉ કરવાના આરોપ લાગ્યા છે. પાંચ મૃતક સભાસદોના નામે 40 લાખ રૂપિયાનું કૌભાંડ થયાનો આરોપ લાગ્યો છે.
ડેરીના પૂર્વ પ્રમુખે લગાવ્યા અનેક આરોપ
ધારાસભ્ય કેતન ઈનામદાર બાદ ડેરીના પૂર્વ પ્રમુખ અજીતસિંહ ઠાકોરે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે 2012પછી બરોડા ડેરીનો સત્યનાશ વળી ગયો છે. વડોદરાની મોટાભાગની દૂધ મંડળીઓમાં ભ્રષ્ટાચારનો અજીત ઠાકોરે આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ગ્રાહકો પાસેથી ભાવ વધારો લેનાર બરોડા ડેરી પશુપાલકોને લાભ આપતી નથી. સાત લાખ લીટરના સ્થાને હવે દૈનિક માત્ર 4 લાખ લીટર દૂધ આવે છે. દૂધ મંડળીઓ પણ 1250થી ઘટીને 800 થઈ ગઈ છે. દૂધ મંડળીઓ હવે ખાનગી ડેરીને પણ દૂધ વેચતી હોવાનો અજીત ઠાકોરે આરોપ લગાવ્યો હતો. ડેરીના ડિરેકટરો ભ્રષ્ટાચાર આચરી કરોડપતિ થયા છે. બરોડા ડેરીના MDની નિયુક્તિ પણ ખોટી રીતે થયાનો અજીતસિંહે આરોપ લગાવ્યો હતો. બરોડા ડેરીમાં લેબર કોન્ટ્રાકટ પણ માનીતાને અપાય છે. સંખેડા, બોડેલી, અલ્હાદપુરાની દૂધ મંડળીમાં વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ તેમણે લગાવ્યો હતો. ડેરીના પૂર્વ પ્રમુખે તપાસમાં બોલાવે તો પુરાવા આપવાનો પણ દાવો કર્યો હતો.
મેરાકુવા ગામમાં આવેલા મૃતક સભાસદ ભીખાભાઈ પરમારના પત્ની વીણાબેન પરમારના ઘરે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી હતી. મૃતક સભાસદ ભીખાભાઈ પરમારના મૃત્યુ બાદ ડેરીએ તેમના બેન્ક એકાઉન્ટમાં 3,04,500 રૂપિયા જમા કરાવ્યા હતા. પરંતુ મૃતકના પત્ની વીણાબેનને એક પણ રૂપિયો મળ્યો નથી. મૃતક સભાસદોના પત્ની હજુ પણ ડેરીમાં દૂધ જમા કરાવે છે. ડેરીએ કંઈક ગોટાળો કર્યો છે પણ તે ગોટાળા અંગે મૃતક સભાસદના પત્નીને કોઈ માહિતી નથી.





















