કડકડતી ઠંડીમાં રાતભર જેટકો કચેરી બહાર ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન, યુવરાજસિંહ જાડેજા પણ પરીક્ષાર્થીઓના સમર્થનમાં
વડોદરાની જેટકોની કચેરી બહાર ઉમેદવારોએ કડકડતી ઠંડીમાં પણ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું
વડોદરાની જેટકોની કચેરી બહાર ઉમેદવારોએ કડકડતી ઠંડીમાં પણ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું. કચેરીની બહાર આખી રાત કડકડતી ઠંડીમાં ઉમેદવારોએ બેસીને વિરોધ કર્યો હતો. ઉમેદવારોના આ જ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા. ઉમેદવારો આખી રાત ઓફિસની બહાર બેસી રહ્યા હતા. તો ઠંડીથી રક્ષણ મેળવવા યુવરાજસિંહે ઉમેદવારોને ચાદર આપી હતી.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યુ હતું કે પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ અમને સમર્થન આપ્યું છે. જિજ્ઞેશ મેવાણીએ પણ સમર્થન આપ્યું છે. મેવાણી વડોદરા આવી શક છે. જો તે વડોદરા નહી આવી શકે તો મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરશે. અન્ય ધારાસભ્યો પણ અમારા સમર્થનમાં છે. જાડેજાએ કહ્યું કે હું ભગવદ્ ગીતા વાંચી રહ્યો છું. ભગવાન નો જ આશરો દેખાઈ રહ્યો છે.
નોંધનીય છે કે વિદ્યુત સહાયકની પરીક્ષામાં ગેરરિતિ થતા ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી. રદ્દ કરાયેલી ભરતી પ્રક્રિયાના વિરોધમાં ઉમેદવારોએ આંદોલન છેડ્યું છે. ગુરૂવારના વિદ્યુત સહાયકના ઉમેદવારો વડોદરા જેટકોની કચેરીએ પહોંચ્યા હતાં અને જેટકોના MD ના મળતા ધરણા શરૂ કર્યા હતાં. રાતભર ધરણા પર રહ્યા બાદ બીજા દિવસે પણ ઉમેદવારોના ધરણા યથાવત રહ્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગુરૂવારના રજૂઆત કરાઈ હતી. જોકે ઉમેદવારોને MDના મળતા ઉમેદવારો રોષ ભરાયા છે. ઉમેદવારોની MD સાથેની મુલાકાત મુદ્દે મક્કમ છે.
જેટકોની પરીક્ષામાં થયેલી ગેરરિતીના કારણે આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. હવે આ પરીક્ષા 7 જાન્યુઆરીએ અમદાવાદમાં લેવાશે. રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે તો 28 અને 29 ડિસેમ્બરે પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ લેવાશે. ઉલ્લેખનિય છે કે, પરીક્ષામાં થયેલી ગેરરિતી અને તેના વિરોધ બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.
જેટકોની પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાથી પરીક્ષા કરાઇ હતી રદ્દ
જેટકોએ લીધેલ વિદ્યુત સહાયક ભરતી માટેની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ પરીક્ષા રાજકોટ, ભરૂચ, મહેસાણા સેન્ટરમાં લેવામાં આવી હતી. ભરતીની પ્રક્રિયામાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદો ઉઠી હતી. ફરિયાદ બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે પોલ ટેસ્ટની પરીક્ષા સમયે ગેરરીતિ આચરવામાં આવી હતી. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમના માટે જ ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.