(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara: PIએ કોંગ્રેસના નેતાને કહેલુઃ ‘મારી બહેન લગ્ન વિના યુવક સાથે શરીર સંબંધથી પ્રેગનન્ટ થઈ છે તેથી મારી નાંખવી છે....’
વડોદરાના સ્વિટી પટેલ કેસમાં સ્વિટીની હત્યા સ્વિટી સાથે છેલ્લાં આઠ વર્ષથી સંબંધ ધરાવતા અને પરીણિત હોવા છતાં સ્વિટી સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈએ કરી હોવાનો ધડાકો થયો છે.
વડોદરા: વડોદરાના ચકચારી સ્વિટી પટેલ (ઉ.વ. 40) કેસમાં સ્વિટીની હત્યા સ્વિટી સાથે છેલ્લાં આઠ વર્ષથી સંબંધ ધરાવતા અને પરીણિત હોવા છતાં સ્વિટી સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ (ઉ.વ. 35)એ કરી હોવાનો ધડાકો થયો છે.
સ્વિટીની હત્યા અજય દેસાઈએ કરી હોવાની પોલીસને માહિતી તેના મિત્ર અને કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાએ આપી હતી. દેસાઈએ સ્વિટીની હત્યાની યોજના ઘડી પછી કિરીટસિંહની મદદ લેવાનું નક્કી કર્યું હતું. આ માટે પી.આઈ. દેસાઈ કિરીટસિંહ સામે પણ ખોટું બોલ્યો હતો.
PIએ એક મહિના પહેલા જ સ્વિટીના મર્ડરનો પ્લાન ઘડી નાંખ્યો હતો. એ વખતે તેણે કિરીટસિંહને એવું કહ્યું હતું કે, મારી એક બહેન લગ્ન વિના જ અન્ય યુવક સાથેના શરીર સંબંધથી મા બનવાની છે તેથી હવે તેને મારી નાખવી છે. PI દેસાઈએ સ્વીટી પટેલની હત્યા અગાઉ કિરીટસિંહ જાડેજાને કહ્યું હતું કે, મારી બેન લગ્ન કર્યા વિના જ ગર્ભવતી થઈ ગઈ હોવાથી તેની હત્યા કરવી પડશે. આ વાત સાંભળીને કિરીટસિંહ ચોંકી ગયા હતા, પરંતુ બાદમાં દેસાઈએ આબરૂની વાત કરતાં મિત્ર અજયને મદદ કરવાની કિરીટસિંહે તૈયારી બતાવી હતી.
અજયે લાશના નિકાલ માટે જગા સૂચવવાનું કહેતાં કિરીટ જાડેજાએ પોતાની હોટલ પાસે પડેલી અવાવરૂ ફાર્મની જગ્યામાં લાશ લાવીને સળગાવી અને પુરાવાઓનો નાશ કરવાનું સૂચન કર્યું હતું. એ પછી કિરીટ સિંહ જાડેજા પાસે લાશ સળગાવવાની જગ્યાના લાઈવ લોકેશન પીઆઇ દેસાઈએ મંગાવ્યા હતા.અજય દેસાઈ એપ્રિલમાં હોટેલમાં રેકી કરી ગયો હતો અને પછી લાશને સળગાવી દેવા આ સ્થળ નક્કી કરાયું હતું.
સ્વિટીની હત્યા પછી અજય લાશને લઈને આવ્યો ત્યારે જાડેજા દૂર ઉભો રહ્યો હતો. પીઆઇ દેસાઈએ લાશ સળગાવવા ખાંડ અને ઘી પણ મંગાવ્યું હતું. જાડેજાનો દાવો છે કે, દેસાઈની પત્નિ સ્વિટી ગુમ થયાના સમાચાર અખબારોમાં વાંચ્યા પછી તેને પી.આઈ. ખોટું બોલ્યો હોવાની જાણ થઈ હતી.