શોધખોળ કરો
વડોદરાના આ 10 વિસ્તારોમાં છવાશે અંધારપટ, CMએ શું કરી લોકોને અપીલ?
વડોદરામાં વિજ પુરવઠો ફરીથી શરૂ કરવા માટે જી.યુ.વી.એન.એલ. ની વીજ વીતરણ કંપની , મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (એમ.જી.વી.સી.એલ.) અને ટ્રાન્સમિશન કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

વડોદરાઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. વડોદરામાં ગઇકાલે 20 ઇંચ વરસાદના કારણે શહેર જળબંબાકાર થઇ ગયુ હતું. અનેક વિસ્તારોમાં ઘરોમા પાણી ભરાયા હતા. વડોદરાની ખરાબ સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેઠક યોજી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ હતું કે, વડોદરામાં કુલ 292 વીજ ફિડર પૈકી 48 ફિડર વરસાદી પાણી ભરાવાને કારણે સલામતીનાં કારણોસર બંધ કરવામાં આવ્યા છે. જેના પરિણામે વીજ પુરવઠાને અસર પહોંચી છે. વડોદરામાં વિજ પુરવઠો ફરીથી શરૂ કરવા માટે જી.યુ.વી.એન.એલ. ની વીજ વીતરણ કંપની , મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (એમ.જી.વી.સી.એલ.) અને ટ્રાન્સમિશન કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાંથી કુલ 32 ટીમોએ વડોદરામાં કામગીરી હાથ ધરી છે. વડોદરાનાં સૌ નગર જનોને આ સ્થિતિ ધ્યાને લઇ સ્થાનિક તંત્રને સહકાર આપવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે ફિડરો બંધ કરવાના કારણે વડોદરાના ઈંદ્રપુરી, સરદાર એસ્ટેટ, કારેલી બાગ, માંડવી, પાણીગેટ, દાંડિયા બજાર, રાવપુરા ટાવર, હરિનગર, ગોત્રી અને સમા વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાઇ ગયો છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ હતું કે, વડોદરામાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની પાંચથી વધારે ટીમોને પૂનાથી એરલિફ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત એસડીઆરએફની 4 ટીમો, આર્મીની 2 ટીમ તેમજ એસઆરપીની 2 કંપની તેમજ પોલીસ અને સુરત વડોદરાની ફાયર ટીમ પણ બચાવ રાહત કામોમાં જોડાયા છે.
વધુ વાંચો





















