VADODARA : મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરે નવલખી મેદાન ખાતે મળી આવેલી હિન્દૂ દેવતાઓની મૂર્તિ અન્ય મંદિરે ખસેડી
Vadodara News : શહેરના નવલખી મેદાન ખાતે હિન્દૂ દેવતાઓની મૂર્તિ ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવી હતી.
Vadodara : વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે હિન્દૂ દેવતાઓની ફેંકી દેવાયેલી હાલતમાં મળેલી મૂર્તિઓને કારણે હિન્દૂ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. હિન્દૂ સંગઠનોએ આખી રાત ત્યાં જ ગાળી તંત્ર સામે વિરોધ અને રોષ પ્રાકટ કર્યો હતો. દરમિયાન મેયર અને મ્યુનિસિપલ કમિશ્નર સ્થળ પર દોડી આવ્યા હતા અને મૂર્તિઓને અન્ય મંદિરમાં ખસેડી હતી.
મેયર કેયુર રોકડીયા અને મ્યુનિસિપલ કમિશ્નર શાલીની અગ્રવાલ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને ભગવાનની પ્રતિમા અન્ય જગ્યાએ ખસેડવાના આદેશ આપતા આ મૂર્તિઓ હાલ તરસાલી શનિ મંદિર ખાતે મોકલવામાં આવી છે. મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરે આ દેવતાઓની મૂર્તિને ફૂલહાર ચડાવી પૂજા કરી હતી.
હિન્દૂ સંગઠનોનો આરોપ હતો કે આ મૂર્તિઓ જુના પાદરા રોડ પર તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલા મંદિરોની છે. આ આક્ષેપ પર મેયર કેયુર રોકડીયાએ કહ્યું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે કે શું આ મૂર્તિઓ જુના પાદરા રોડ પર તોડી નાખવામાં આવેલા મંદિરની છે કે નહીં.વિરોધ માટે બેઠેલા ધાર્મિક, રાજકીય, સામાજિક સંગઠનોએ મેયરની કાર્યવાહીનો આદર કર્યો હતો અને વિરોધ સમાપ્ત કર્યો હતો.
વડોદરા નવલખી મેદાન ખાતે હિન્દૂ દેવતાઓની મૂર્તિ ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવતા હિન્દૂ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. નવલખી મેદાન ખાતે અવાવરુ જગ્યાએ ભાથીજી મહારાજ અને હનુમાનજીની મૂર્તિ ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. હિન્દૂ સંગઠનો અને રાજકીય પક્ષોનો આક્ષેપ કર્યો હતો કે આ મૂર્તિઓ ઓલ્ડ પાદરા રોડ પર તોડી પડાયેલા મંદિરની છે જે તંત્રએ તોડી પાડ્યું હતું. હિન્દૂ સંગઠનના સભ્યોએ રાત્રીમાં આ જગ્યાએ ભય હોવા છતાં પણ તેઓ ત્યાં જ સૂઈ ગયા હતા અને વિરોધ કર્યો હતો.
ઓલ્ડ પાદરા રોડ પર ગત શનિવારે જે મંદિર તોડવામાં આવ્યા હતા તેની મૂર્તિઓ આજે નવલખી કૃત્રિમ તળાવ પાછળ કચરાની જેમ નાખી દેવામાં આવી હતી તેવા આક્ષેપ સાથે હિન્દૂ સંગઠનના નીરજ જૈન, ટિમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ, આપના નેતા, અને કોંગ્રેસના નેતા નવલખી મેદાન ખાતે જ્યાં પ્રતિમાઓ ફેંકી દેવાઈ હતી ત્યાં રાત્રે જ બેસી વિરોધમાં જોડાયા હતા.