Vadodara: ઠંડી વધતાં જ વડોદરામાં ડેન્ગ્યૂના દર્દીઓમાં જોરદાર વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા નોંધાયા કેસો
રાજ્યમાં ઠંડીનો માહોલ જામવા લાગ્યો છે, હવે જેમ જેમ ઠંડીનો માહોલ જામી રહ્યો છે, તેમ તેમ રોગચાળો વકરી રહ્યો છે
Vadodara News: રાજ્યમાં ઠંડીનો માહોલ જામવા લાગ્યો છે, હવે જેમ જેમ ઠંડીનો માહોલ જામી રહ્યો છે, તેમ તેમ રોગચાળો વકરી રહ્યો છે. હાલમાં જ માહિતી છે કે વડોદરામાં ફરી એકવાર ડેન્ગ્યૂના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. વડોદારમાં ઠંડીની સિઝનમાં રોગચાળો વધ્યો છે, જેમાં ડેન્ગ્યૂના કેસો ઝડપથી વધી રહ્યાં છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યૂના 15 કેસો નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ ઉપરાંત શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના 138 કેસો નોંધાયા છે. સતત વધી રહેલા રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા વડોદરા મહાનગર પાલિકાની 264 ટીમોએ સર્વે હાથ ધર્યો છે, શહેરમાં 349 સ્થળોએ સર્વે કરવામાં આવ્યો છે, બે દિવસમાં 11 હજાર સ્થળોએ ફૉગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દિવાળીના તહેવારમાં રોગચાળો વકર્યો, ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયાના કેસમાં વધારો
દિવાળીના તહેવારમાં રાજકોટમાં રોગચાળો વકર્યો છે. પાણી અને મચ્છરજન્ય રોગાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયા અને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો છે. જેના કારણે સિવિલ હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. ગત સપ્તાહમાં શરદી ઉધરસના એક હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે ડેંગ્યૂના 11, ચીકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા છે. આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસમાં 10થી 15 ટકાનો વધારો થયો છે. ખાનગી ક્લિનિક અને હૉસ્પિટલમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. જેમાં ડેંન્ગ્યૂ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો તેમજ ચિકનગુનિયા અને શરદી, ઉધરસ, તાવનાં કેસોમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો
અમદાવાદમાં નવેમ્બર મહિનાની શરુઆતમાં જ પાંચ દિવસમાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મેલેરિયાના 23, ઝેરી મેલેરિયાના 6 તથા ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો હતો. પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી તપાસ બાદ 114 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો. પાણીના 10 સેમ્પલ અનફીટ જાહે૨ કરવામાં આવ્યા હતા. AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકો શરદી અને તાવના લીધે બીમાર પડી રહ્યા છે.
વાયરલ તાવ, શરદી, ઉધરસ અને ડેન્ગ્યુના કેસ
રાજ્યમાં ફરી એક વાર રોગચાળો વકર્યો છે. રાજ્યનાં મુખ્ય શહેરોમાં ફરી એક વાર ઘેરેઘેર વાયરલ તાવ, શરદી, ઉધરસ અને ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે. રાજ્યના મહાનગરોમાં પણ પાણી અને મચ્છરજન્ય રોગાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયા અને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો છે.
મહાનગરોમાં રોગચાળાના કેસમાં સતત વધારો
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં તાવ, શરદી, ઉધરસ અને ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે. અમદાવાદ શહેરમાં પણ અચાનક રોગચાળામાં વધારો થતા તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. સુરત શહેરમાં પણ દિવાળીના તહેવાર બાદ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થયો છે. વડોદરામાં પણ રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. રાજ્યમાં અચાનક રોગચાળો વકરતા તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે.