Vadodara: કોર્ટ બહાર પગથિયા પર લાંચ લેતો હતો સિનિયર ક્લાર્ક, એસીબીએ રંગેહાથ દબોચી લીધો
કોર્ટે અરજી સંદર્ભે સિનિયર ક્લાર્કને હાજર રહેવા આદેશ કર્યો હતો. કોર્ટ ના આદેશ છતાં દાખલા માટે 400 રૂપિયાની લાંચ માંગી હતી.

Vadodara News: સરકારી તંત્ર ભ્રષ્ટાચારમાં ગરકાવ હોય તેમ કોઈપણ કામ પૈસા વગર થતા નથી. લોકોને નાછૂટકે પૈસા આપીને કામ કરાવવા પડતા હોય છે. એસીબી લાંચ લેતા બાબુઓને સમયાંતરે પકડતું હોવા છતાં અમુક લાંચિયા બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. વડોદરામાં એક સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો છે. વડોદરા એસીબીએ સિનિયર ક્લાર્ક પરેશ ગાંધીની ધરપકડ કરી હતી.
પરેશ ગાંધી પાદરાના જાસપુરની સરકારી શાળામાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ફરિયાદીએ જન્મના દાખલા માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે અરજી સંદર્ભે સિનિયર ક્લાર્કને હાજર રહેવા આદેશ કર્યો હતો. કોર્ટ ના આદેશ છતાં દાખલા માટે 400 રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીને જાણ કરી હતી. જે મુજબ ટ્રેપ ગોઠવીને કોર્ટ બહાર પગથિયાં પર જ લાંચ લેતા સિનિયર ક્લાર્કને રંગેહાથ ઝડપી લીધો હતો.

પાટણ જિલ્લા કલેકટર કચેરીના નાયબ મામલતદાર અલ્પેશકુમાર ભોજાભાઇ ખેર જમીન બીન ખેતી કરી આપવાના બદલામાં રૂ. 5 લાખની લાંચ લેતા શનિવારે પાટણ એસીબીના છટકામાં ઝડપાઈ જતા જિલ્લાના મહેસૂલી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સમી તાલુકાના એક ગામના વ્યક્તિ દ્વારા જમીન ખરીદ કરવામાં આવી હતી તે જમીન બિનખેતી કરવા માટે કલેક્ટર કચેરીમાં જતા એડીએમ શાખાના નાયબ મામલતદાર અલ્પેશકુમાર ભોજાભાઇ ખેરને મળતા તેમણે કામ કરી આપવાના બદલે રૂ.5 લાખની લાંચની માગણી કરી હતી. પરંતુ જમીન માલિક તે આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતાં શનિવારે સાંજે પાટણના એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.ચૌધરીએ બોર્ડર રેન્જ ભૂજના ઇન્ચાર્જ મદદનીશ નિયામક વીએસ વાઘેલાના સુપરવિઝન હેઠળ પાટણ ખાતે છટકું ગોઠવ્યું હતું. શહેરની જનતા હોસ્પિટલની બાજુમાં આવેલ જનતા મેડિકલ સ્ટોર ખાતે ફરિયાદી પાસેથી રૂ.5 લાખ સ્વીકારતાં જ આજુબાજુમાં ગોઠવાયેલા એસીબી ટીમના માણસોએ આરોપીને રંગે હાથે ઝડપી લીધો હતો અને તેની પાસેથી પૂરેપૂરી રકમ જપ્ત કરી હતી. એસીબી પીઆઇ એમ.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી દ્વારા લાંચની માંગણી કર્યાની ફરિયાદ આધારે છટકું ગોઠવી પકડી લેવાયો હતો અને આગળની તપાસ શરૂ છે.
આ પણ વાંચોઃ
જયેશ રાદડિયાનો હુંકાર, કહ્યું- વિઠ્ઠલભાઈનો પુત્ર છું, લડાયક ગુણો વારસામાં મળ્યા છે





















