Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં 6.3 તીવ્રતાના ભૂકંપે સર્જી તબાહી, 600થી વધુના મૃત્યુ, 1500થી વધુ ઘાયલ
Afghanistan Earthquake: રવિવારે રાત્રે 11:47વાગ્યે (સ્થાનિક સમય મુજબ) અફઘાનિસ્તાનમાં 6.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 622 લોકો માર્યા ગયા છે, જ્યારે 15૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે, મૃત્યુઆંક વધુ વધી શકે છે.

Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં ભૂકંપને કારણે મૃત્યુઆંક વધ્યો છે. ANIના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 622 લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ જલાલાબાદ શહેરથી લગભગ 17 માઇલ દૂર હતું. જલાલાબાદની વસ્તી લગભગ બે લાખ છે અને તે રાજધાની કાબુલથી રોડ માર્ગે 1૦૦ માઇલથી પણ ઓછા અંતરે છે. રાત્રે શહેરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
એનવાયટીના અહેવાલ મુજબ, મોટાભાગના મૃત્યુ પડોશી કુનાર પ્રાંતમાં થયા છે. સરકારી પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પર પણ લખ્યું છે કે ભૂકંપથી દેશના કેટલાક પૂર્વીય પ્રાંતોમાં જાનમાલનું ગંભીર નુકસાન થયું છે. જોકે, તેમણે વધુ વિગતો શેર કરી નથી. અલ જઝીરાના અહેવાલ મુજબ, ભૂકંપની અસર પડોશી દેશના મોટા વિસ્તારમાં પણ અનુભવાઈ હતી, જેમાં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનના કુનારથી મળેલા અહેવાલો દર્શાવે છે કે, આખા ગામોનો નાશ થઈ ગયો છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Kunar province in Afghanistan has been severely impacted by a powerful earthquake, leaving residents injured and devastated as their homes crumbled into rubble.
— Nilofar Ayoubi 🇦🇫 (@NilofarAyoubi) August 31, 2025
The community is in urgent need of immediate crisis response and assistance.#kunar #earthquake pic.twitter.com/7fQaF69oA3
2023માં 4 હજાર લોકો માર્યા ગયા હતા
આ પહેલા, 7 ઓક્ટોબર 2૦23ના રોજ અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. તાલિબાન સરકારે આ ભૂકંપમાં4 હજાર લોકોના મોતનો દાવો કર્યો હતો, જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ 15૦૦ લોકોના મોતની પુષ્ટિ કરી હતી.
વર્ષ 2022માં, પૂર્વી અફઘાનિસ્તાનમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 1 હજાર લોકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા.
અફઘાનિસ્તાનમાં શક્તિશાળી ભૂકંપનો ઇતિહાસ છે. ભૂકંપની દ્રષ્ટિએ હિન્દુકુશ શ્રેણીને સક્રિય માનવામાં આવે છે, જ્યાં દર વર્ષે ભૂકંપ આવે છે.
અફઘાનિસ્તાન ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો વચ્ચે સ્થિત છે. આ ફોલ્ટ લાઇન અફઘાનિસ્તાનમાં હેરાત સુધી જાય છે. પ્લેટોમાં હલનચલન થાય ત્યારે ભૂકંપ આવે છે.





















