Nepal: નેપાળમાં આકાશમાંથી વરસી આફત, ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરને કારણે 99 લોકોના મોત
Nepal: નેપાળમાં અવિરત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 99 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે
Nepal: નેપાળમાં અવિરત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 99 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે કાર્યવાહક વડાપ્રધાન અને શહેરી વિકાસ મંત્રી પ્રકાશ માન સિંહે ઈમરજન્સી બેઠક બોલાવી છે.
અધિકારીઓએ શનિવારે (28 સપ્ટેમ્બર) વરસાદને કારણે થયેલા નુકસાન વિશે માહિતી આપી હતી. 69 લોકો ગુમ થયા અને 226 મકાનો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. નેપાળના ઘણા ભાગોમાં ગુરુવાર (26 સપ્ટેમ્બર)થી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ડિઝાસ્ટર અધિકારીઓએ અચાનક પૂરની ચેતવણી જારી કરી છે.
નેપાળ પોલીસના નાયબ પ્રવક્તા બિશ્વો અધિકારીએ કહ્યું કે સતત વરસાદને કારણે નેપાળમાં 99 લોકોના મોત થયા છે, જેમાંથી 34 કાઠમંડુ ખીણમાં છે. તેમણે જણાવ્યું કે પૂરમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. તેમણે કહ્યું કે દેશભરમાં કુલ 44 લોકો ગુમ છે, જેમાંથી 16 કાઠમંડુ ખીણમાં ગુમ છે. એવું કહેવામાં આવ્યું હતું કે એક હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
મુખ્ય રાજમાર્ગો બ્લોક કરી દેવામાં આવ્યા છે
અધિકારીઓએ જણાવ્યું કે નેપાળમાં વરસાદ ચાલુ છે જેના કારણે માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે. કહેવામાં આવ્યું છે કે દેશભરમાં 44 સ્થળોએ મુખ્ય રાજમાર્ગો બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન, કાર્યવાહક વડા પ્રધાન અને શહેરી વિકાસ પ્રધાન પ્રકાશ માન સિંહે ગૃહ પ્રધાન, ગૃહ સચિવ અને સુરક્ષા એજન્સીઓના વડાઓ સહિત વિવિધ પ્રધાનોની તાકીદની બેઠક બોલાવી છે અને તેમને સર્ચ અને બચાવ કામગીરી ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો
નેપાળમાં પૂરના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે જેના કારણે કાઠમંડુમાં દિવસભર વીજ કાપ રહ્યો હતો પરંતુ સાંજે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે કાઠમંડુમાં 226 ઘરો ડૂબી ગયા છે અને નેપાળ પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ ત્રણ હજાર સુરક્ષા કર્મચારીઓની બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સાથે જ લોકોને સાવચેતી અને સતર્ક રહેવાની પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો...