New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે લાઇફ સપોર્ટ હટાવવાને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી છે
New Guidelines: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ એટલે કે એવા લોકોની લાઇફ સપોર્ટ હટાવવાને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી છે જે ગંભીર રીતે બીમાર છે અને ફક્ત લાઇફ સપોર્ટ મારફતે જીવિત છે. આ મામલે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં ડૉક્ટરોને કહેવામાં આવ્યું છે કે તેઓ અમુક શરતોને ધ્યાનમાં રાખીને જ દર્દીના લાઈફ સપોર્ટને હટાવવાનો નિર્ણય લઈ શકે છે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.
આ ચાર શરતોના આધારે નિર્ણય લેવામાં આવશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકામાં એ ચાર શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના આધારે ડૉક્ટર નક્કી કરી શકે છે કે બીમાર વ્યક્તિનું લાઇફ સપોર્ટ હટાવવું જોઇએ કે નહીં. પ્રથમ શરત એ છે કે દર્દીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો છે. બીજી શરત એ છે કે તપાસમાં સામે આવવું જોઈએ કે દર્દીની બીમારી એડવાન્સ સ્ટેજ પર પહોંચી ગઇ છે અને આ સ્થિતિમાં સારવારનો કોઈ ફાયદો થશે નહીં. ત્રીજી શરત એ છે કે દર્દી અથવા પરિવારના સભ્યો દ્વારા લાઇફ સપોર્ટ યથાવત રાખવાનો ઇનકાર કરવામાં આવે છે. ચોથી અને છેલ્લી શરત એ છે કે લાઇફ સપોર્ટ હટાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટ તરફથી નક્કી કરવામાં આવેલા દિશા નિર્દેશો હેઠળ કરવામાં આવે.
ડ્રાફ્ટમાં ટર્મિનલ બીમારી વિશે પણ છે
આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ માટેની નવી માર્ગદર્શિકામાં ટર્મિનલ બીમારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં ટર્મિનલ ડિસીઝ એક એવી અસાધ્ય સ્થિતિ છે જેમાં નજીકના ભવિષ્યમાં મૃત્યુની વધુ સંભાવના છે. ટર્મિનલ બીમારીમાં મગજની ગંભીર ઇજાઓનો પણ સમાવેશ થાય છે જેમાં 72 કલાક કે તેથી વધુ સમય સુધી કોઈ સુધારો જોવા મળતો નથી. નવી માર્ગદર્શિકા અનુસાર, ICUમાં આવા ઘણા દર્દીઓ ટર્મિનલી બીમાર હોય છે છે જેમના માટે લાઇફ સસ્ટેનિંગ ટ્રિટમેન્ટથી કોઇ લાભ થવાની સંભાવના જોવા મળતી ના હોય
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને શું કહ્યું?
દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. આર.વી અશોકને આ નવી માર્ગદર્શિકા પર કહ્યું કે આ માર્ગદર્શિકા ડૉક્ટરોને કાયદાકીય તપાસના દાયરામાં લાવશે અને તેનાથી તેમના પર તણાવ વધશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટર્સ આ પ્રકારના ક્લિનિકલ નિર્ણયો હંમેશા સારા ઈરાદા સાથે લેતા હોય છે. તેમનું કહેવું છે કે આ કરતા પહેલા ડૉક્ટર દર્દીના પરિવારના સભ્યોને પરિસ્થિતિ સારી રીતે સમજાવે છે અને દરેક પાસાઓની તપાસ કર્યા પછી જ નિર્ણય લે છે.