USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
અમેરિકાના કેલિફોર્નિયામાં બુધવારે નૌકાદળનું F-35 ફાઇટર જેટ ક્રેશ થયું

અમેરિકાના કેલિફોર્નિયામાં બુધવારે નૌકાદળનું F-35 ફાઇટર જેટ ક્રેશ થયું. આ ફાઇટર જેટ નેવલ એર સ્ટેશન લેમૂર પર ક્રેશ થયું. નૌકાદળે આ વાતની પુષ્ટી કરી છે. આ અકસ્માત બુધવારે સવારે 4.30 વાગ્યાની આસપાસ થયો હતો. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અકસ્માત સમયે પાયલટે સમયસર પેરાશૂટની મદદથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો. તે સુરક્ષિત છે. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વિમાન ફાઇટર સ્ક્વોડ્રન VF-125 રફ રેડર્સનો ભાગ હતું. આ યુનિટ ફ્લીટ રિપ્લેસમેન્ટ સ્ક્વોડ્રન તરીકે કામ કરે છે, જેનું મુખ્ય કાર્ય પાયલટ્સ અને એરક્રૂને તાલીમ આપવાનું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ અકસ્માતના વીડિયોમાં ધુમાડો ઉડતો જોવા મળી રહ્યો છે.
"An F-35 fighter jet crashed near Naval Air Station Lemoore in central California. The pilot successfully ejected and is safe. There are no additional affected personnel," reports Reuters, citing a statement from Naval Air Station Lemoore
— ANI (@ANI) July 31, 2025
સીએનએનના એક રિપોર્ટ અનુસાર, અમેરિકન નેવીએ એક પ્રેસ સ્ટેટમેન્ટ દ્વારા ઘટના અંગે માહિતી આપી છે. અકસ્માત પાછળના કારણ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. અમેરિકન નેવી પાસે કેલિફોર્નિયામાં લેમૂર નજીક માસ્ટર સ્ટ્રાઈક ફાઈટર બેઝ છે. F-35C અને F/A-18E/F જેટ પણ અહીં તૈનાત છે. બુધવારે સાંજે આ બેઝ નજીક ફાઈટર જેટ F-35 ક્રેશ થયું હતું. ક્રેશ થયા પછી તરત જ ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નેવીએ જણાવ્યું હતું કે F-35 ફાઈટર જેટ સ્ટ્રાઈક ફાઈટર સ્ક્વોડ્રન VF-125 ને સોંપવામાં આવ્યું હતું, જેને 'રફ રેડર્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
પાયલટને હોસ્પિટલમાં દાખલ
હાલની માહિતી મુજબ, ફાઇટર જેટ ક્રેશ થાય તે પહેલાં પાયલટ બહાર નીકળી ગયો હતો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં પાયલટની હાલત સ્થિર છે, પરંતુ વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું છે.
અમેરિકામાં આ પહેલા પણ F-35 ક્રેશ થયું છે
આ વર્ષે 28 જાન્યુઆરીએ અલાસ્કામાં F-35A ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પણ પાયલટ બચી ગયો હતો. 28 મે, 2024ના રોજ F-35B ન્યૂ મેક્સિકોમાં ક્રેશ થયું હતું. આ પહેલા 17 સપ્ટેમ્બર, 2023ના રોજ F-35B પણ ક્રેશ થયું હતું. આ દુર્ઘટના પછી લગભગ 30 કલાક સુધી વિમાન મળી શક્યું ન હતું, જોકે કાટમાળ 18 સપ્ટેમ્બરે મળી આવ્યો હતો.





















