FIFA માં જીતની ઉજવણી વચ્ચે આર્જેન્ટિનામાં કોરોના વિસ્ફોટ, છેલ્લા એક સપ્તાહમાં વધ્યા 130 ટકા કેસ
ફિફા વર્લ્ડ કપ 2022માં જીત બાદ આર્જેન્ટિનામાં સતત ઉજવણીનો માહોલ છે
ફિફા વર્લ્ડ કપ 2022માં જીત બાદ આર્જેન્ટિનામાં સતત ઉજવણીનો માહોલ છે. હજારો અને લાખો લોકો રસ્તા પર ઉજવણી કરી રહ્યા છે. ફિફા વર્લ્ડકપ જીતની ઉજવણી વચ્ચે આર્જેન્ટિનામાં પણ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં છેલ્લા 1 સપ્તાહમાં કોરોનાના 130 ટકા કેસ વધ્યા છે. આર્જેન્ટિનામાં અત્યાર સુધીમાં 9,829,236 કેસ નોંધાયા છે. જ્યારે 1.30 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.
📍@Argentina Victory Parade #FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/ztTY0KexGq
— FIFA World Cup (@FIFAWorldCup) December 20, 2022
કોરોના ડેટા પર નજર રાખનારી સંસ્થા વર્લ્ડોમીટરના જણાવ્યા અનુસાર છેલ્લા 7 દિવસમાં આર્જેન્ટિનામાં 62,261 કેસ નોંધાયા છે. જ્યારે 39 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં હજુ પણ 1,01,989 એક્ટિવ કેસ છે.
આર્જેન્ટિના ફ્રાન્સને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યું
ફિફા વર્લ્ડકપમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને હરાવ્યું હતું. આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી હરાવ્યું. બંને ટીમો વચ્ચેનો મેચ 3-3ની બરોબરી પર ખત્મ થઇ હતી. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં નિર્ણય લેવામાં આવ્યો. આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપ 2022 જીત્યા બાદ દેશમાં ઉજવણીનો માહોલ છે. આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સમાં ઉજવણીની જે તસવીરો સામે આવી રહી છે તે ચોંકાવનારી છે. આર્જેન્ટિનાના રસ્તાઓ પર એટલી ભીડ છે કે જાણે લોકોનું પૂર આવી ગયું હોય. ફ્રાન્સ સામેની ફાઇનલમાં જીત બાદ બ્યુનોસ આયર્સમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અહીં 10 લાખથી વધુ લોકો રસ્તા પર હતા જેમના હાથમાં આર્જેન્ટિનાના ધ્વજ હતા. વિજય બાદ નીકળેલા વિજય સરઘસમાં એટલી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા કે ખેલાડીઓને એરલિફ્ટ કરવા પડ્યા હતા.
વિશ્વભરમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે
છેલ્લા 7 દિવસમાં વિશ્વભરમાં કોરોનાના 3,632,109 કેસ નોંધાયા છે. એકલા જાપાનમાં કોરોનાના નવા 1055578 કેસ નોંધાયા છે. દક્ષિણ કોરિયામાં 460,766, ફ્રાન્સમાં 384184, બ્રાઝિલમાં 284,200, અમેરિકામાં 272,075, જર્મનીમાં 223,227, હોંગકોંગમાં 108577, ચીનના પડોશી તાઈવાનમાં 107381 કેસ નોંધાયા હતા.
જાપાનમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાના કારણે 1670 લોકોના મોત થયા છે. આ સિવાય અમેરિકામાં પણ 1607 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે દક્ષિણ કોરિયામાં 335, ફ્રાન્સમાં 747, બ્રાઝિલમાં 973, જર્મનીમાં 868, હોંગકોંગમાં 226, તાઈવાનમાં 203, ઈટાલીમાં 397 લોકોના મોત થયા છે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમેરિકામાં 22578 કેસ નોંધાયા હતા. જ્યારે જાપાનમાં 72297 કેસ, જર્મનીમાં 55016 કેસ, બ્રાઝિલમાં 29579 કેસ, દક્ષિણ કોરિયામાં 26622 કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 8213 કેસ નોંધાયા છે. તાઈવાનમાં 10359 અને રશિયામાં 6341 કેસ નોંધાયા હતા. બીજી તરફ કોરોનાથી થયેલા મોતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 140, ફ્રાન્સમાં 178, જર્મનીમાં 161, બ્રાઝિલમાં 140, જાપાનમાં 180 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.