(Source: ECI/ABP News/ABP Majha)
Coronaની નવી લહેર માટે રહો તૈયાર, જાણો કોણે આપી ચેતવણી?
ગયા અઠવાડિયે ફ્રાન્સમાં 7,71,260, અમેરિકામાં 7,22,924, ઇટાલીમાં 661,984 અને જર્મનીમાં 561,136 કેસ નોંધાયા છે
વિશ્વમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર શરૂ થયો છે. અનેક દેશોમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. એટલું જ નહી મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી જાહેર કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાની નવી લહેરની ચેતવણી આપી છે.
WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે આપણે હવે કોરોનાની નવી લહેર માટે તૈયાર રહેવું જોઇએ. જે બધા નવા વેરિઅન્ટ બહાર આવી રહ્યા છે તે બધાના રૂપ અલગ છે. તે વધુ ઝડપથી ફેલાઇ રહ્યા છે. જેનાથી કેસ વધુ ઝડપી ફેલાશે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થશે. આ બદલાતી પરિસ્થિતિઓ માટે તમામ દેશોએ પોતાની પાસે એક એક્શન પ્લાન તૈયાર રાખવો પડશે.
હવે સૌમ્યા સ્વામીનાથને પણ વિશ્વ બેંકના સલાહકાર ફિલિપ શેલેકેન્સના ટ્વીટ પર આ ટ્વિટ કર્યું છે, જ્યાં તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ફરી એકવાર વિશ્વમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ છે, કેસ ફરીથી વધવા લાગ્યા છે. મૃત્યુઆંક જે પહેલા ઓછો હતો તે ફરી વધ્યો છે. ફિલિપની આ ચિંતા પર સૌમ્યાએ આખી દુનિયાને આ ચેતવણી આપી છે.
ફિલિપ શેલેકેન્સના જણાવ્યા અનુસાર, અમેરિકા, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને જાપાનમાં આ સમયે સમૃદ્ધ દેશોમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. બ્રાઝિલમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. WHOના ડાયરેક્ટર Tedros Adhanom Ghebreyesus પણ કોરોનાના વધતા જતા કેસોને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે મૃત્યુઆંકમાં વધારો એ સારો સંકેત નથી.
ગયા અઠવાડિયે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે ઓમિક્રોનના સબવેરિયન્ટ BA.4 અને BA.5ને કારણે સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. WHO ચીફે એવી પણ ચિંતા વ્યક્ત કરી કે હવે ઘણા દેશો કોરોનાને લઈને બેદરકાર થઈ ગયા છે. ટેસ્ટમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે કોઈપણ વેરિઅન્ટ વિશે નક્કર માહિતી બહાર આવી રહી નથી.
ગયા અઠવાડિયે ફ્રાન્સમાં 7,71,260, અમેરિકામાં 7,22,924, ઇટાલીમાં 661,984 અને જર્મનીમાં 561,136 કેસ નોંધાયા છે. ભારતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં જ દેશમાં કોરોનાને કારણે 229 લોકોના મોત થયા છે.