Coronavirus: આ જાણીતા દેશમાં એક મહિલામાં કોરોનાના બે વેરિયંટ જોવા મળતાં આશ્ચર્ય, 5 જ દિવસમાં.....
90 વર્ષીય એક મહિલા કોરોનાના એક નહીં પણ બે અલગ-અલગ વેરિયંટથી સંક્રમિત થઈ હતી. પાંચ જ દિવસમાં મહિલાનું મોત થયું હતું.
વિશ્વભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોવિડ-19ના અનેક વેરિયંટ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે લાખો લોકોના વિશ્વમાં મોત થયા છે. આ દરમિયાન બેલ્જિયમમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. 90 વર્ષીય એક મહિલા કોરોનાના એક નહીં પણ બે અલગ-અલગ વેરિયંટથી સંક્રમિત થઈ હતી. પાંચ જ દિવસમાં મહિલાનું મોત થયું હતું.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા કોરોનાના આલ્ફા અને બીટા બંને વેરિયંટથી સંક્રમિત થઈ હતી. જેને લઈ ચિંતા વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, મહિલાએ કોરોનાની રસી નહોતી લીધી. તે ઘરમાં એકલી જ રહેતી હતી. માર્ચ મહિનામાં મહિલાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. જે બાદ તેને બેલ્જિયમના આલ્સ્ટ શહેરમાં ઓએલવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ટેસ્ટ દરમિયાન તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ધીરે ધીરે તેની તબિયત વધારે લથડતી ગઈ હતી અને માત્ર પાંચ જ દિવસમાં મોત થયું હતું.
કેવી રીતે સંક્રમિત થઈ મહિલા ?
ઓએલવી હોસ્પિટલમાં મોલીક્યૂલર બાયોલોજિસ્ટ અને રિસર્ચ ટીમના હેડ બેંકીરબર્ગને જણાવ્યું, તે સમયે બેલ્જિયમમાં બંને વેરિયંટ ખૂબ ઝડપથી ફેલાતા હતા. તેથી આ મહિલાને બે લોકોથી અલગ અલગ વેરિયંટનો ચેપ લાગ્યો હોઈ શકે છે. જોકે તે કેવી રીતે સંક્રમિત થઈ હતી તે જાણી શકાયું નથી. રિસર્ચ ટીમના વડાએ પણ કહ્યું કે બે વેરિયંટથી સંક્રમિત થવાના કારણે મહિલાની હાલત ઝડપથી ખરાબ થઈ હતી કે અન્ય કારણોસર તે કહેવું મુશ્કેલ છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 14મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,506 નવા કેસ નોંધાયા હતા ને 896 લોકોના મોત થયા હતા. શનિવારે 1206 લોકોના મોત થયા હતા. જુલાઈ મહિનામાં જે સૌથી વધુ મૃત્યુઆંક છે.