China Corona: ચીનમાં કોરોના મહાવિસ્ફોટ, હોસ્પિટલોમાં લાશોના ઢગલા, 80 કરોડ લોકો પર તોળાતુ સંકટ
તેમણે ગંભીર ચેતવણી આપતા કહ્યું હતું કે, આ તો માત્ર શરૂઆત છે. એક અનુમાન છે કે કોરોના સંક્રમણને કારણે 20 લાખ લોકોના મોત થઈ શકે છે. આ ઉપરાં 80 કરોડ લોકો કોરોના વાયરસની ઝપટમાં આવી શકે છે.
Corona Virus In China: ચીનમાં કોરોના મહામારીનો ભયંકર વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. ચીનમાં હાલ હોસ્પિટલોની હાલત એવી જ નજરે પડી રહી છે જે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ભારતમાં હતી. દર્દીઓની સંખ્યા એટલી હદે વધી ગઈ છે કે તેમને જમીન પર સુવાનો વારો આવ્યો છે. વાયરસ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી 90 દિવસમાં ચીનની લગભગ 60 ટકા વસ્તી અને પૃથ્વીની કુલ વસ્તીના 10 ટકા લોકો સંક્રમિત થઈ શકે છે.
તેમણે ગંભીર ચેતવણી આપતા કહ્યું હતું કે, આ તો માત્ર શરૂઆત છે. એક અનુમાન છે કે કોરોના સંક્રમણને કારણે 20 લાખ લોકોના મોત થઈ શકે છે. આ ઉપરાં 80 કરોડ લોકો કોરોના વાયરસની ઝપટમાં આવી શકે છે.
ચીનમાં કોરોના વાયરસને લઈને સ્થિતિ વધુને વધુ ગંભીર થઈ રહી છે. ચીનમાંથી રોજે રોજ ડરાવનારા આંકડા સામે આવી રહ્યાં છે. વાયરસ નિષ્ણાત એરિક ફીગેલના જણાવ્યા અનુસાર, ચીનની રાજધાની બેઇજિંગમાં અવિરત પણે લાશોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે. તો શબઘરો પણ લાશોથી ઠસોઠસ ભરેલા છે. મૃતદેહો રાખવા માટે રેફ્રિજરેટરની જરૂર પડી રહી છે. 2,000 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા પડ્યા તેવી સ્થિતિ ઉભી થઈ છે. તેમણે કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે જાણે વર્ષ 2020ની સ્થિતિનું પુનરાર્તન થઈ રહ્યું છે. પરંતુ આ વખતે તે યુરોપ સહિત પશ્ચિમી દેશોમાં નહીં પરંતુ માત્ર ચીનમાં જ થઈ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, ચીનમાં કોરોના પ્રતિબંધો હળવા થયા બાદ કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો હતો.
ચીનની 60 ટકા વસ્તી પર જોખમ
હવે ચીનની 60 ટકા વસ્તી તેની ઝપટમાં આવી શકે છે. ઉત્તરપૂર્વ ચીનની હોસ્પિટલોમાં લાશોનો ઢગલો છે, પરંતુ સરકાર તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. ચીને સોમવારે કોવિડ -19 થી માત્ર બે નવા મૃત્યુની પુષ્ટિ કરી હતી. ચીનના નેશનલ હેલ્થ કમિશન (NHC)એ 3 ડિસેમ્બરથી શ્વસન રોગથી કોઈ મૃત્યુ ન નોંધ્યા બાદ સત્તાવાર રીતે 2 મૃત્યુની જાણ કરવામાં આવી છે. અહેવાલો સામે આવ્યા છે કે, સ્મશાનગૃહમાં કોવિડ-પોઝિટિવ મૃતદેહો પહોંચવાની સંખ્યામાં અચાનક વધારો થયો છે.
NHCએ તેના દૈનિક અહેવાલમાં જણાવ્યું હતું કે, રવિવારે સાજા થયા બાદ કુલ 1,344 COVID-19 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, રવિવારે COVID-19થી બે નવા મૃત્યુ નોંધાયા હતા, જેથી કુલ મૃત્યુઆંક 5,237 થયો હતો. ચાઈનીઝ ન્યૂઝ વેબસાઈટ Caixinએ સપ્તાહના અંતે કોવિડથી ત્રણ મૃત્યુની જાણ કરી હતી, જેમાં 2 મીડિયા પત્રકારોનો સમાવેશ થાય છે. જો કે સરકારે આ વાતની પુષ્ટિ કરી નથી.
શિયાળાની શરૂઆત સાથે જ ચીન કોવિડની ઝપટમાં
દેશભરમાં કોવિડ-19ના કેસમાં વધારો થવાને કારણે ચીન પણ તબીબી કર્મચારીઓની અછતનો સામનો કરી રહ્યું છે. કેક્સિનને જાણવા મળ્યું છે કે, બેઇજિંગની ઘણી હોસ્પિટલોમાં સ્ટાફની અછતનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે મોટી સંખ્યામાં ડોકટરો વાયરસથી પ્રભાવિત થઈ રહ્યાં છે. નાના શહેરો પણ કંઈક આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. મધ્ય ચીનના હુબેઈ પ્રાંતના એક કાઉન્ટી-લેવલ શહેરમાં એક ડૉક્ટરે અનુમાન લગાવ્યું છે કે, તેની હોસ્પિટલના 20 ટકા તબીબી કર્મચારીઓને ચેપ લાગ્યો હતો.
જ્યારે તાવના ક્લિનિક્સ અને કટોકટી વિભાગો સહિત ઉચ્ચ જોખમની પરિસ્થિતિઓમાં કામ કરતા લોકો 50 ટકા સુધી પહોંચી ગયા છે. દરમિયાન ચીનના ટોચના આરોગ્ય અધિકારીનું માનવું છે કે, ચીન વર્તમાનમાં શિયાળાની શરૂઆત સાથે કોવિડ સંક્રમણની સંભવિત પહેલી લહેર જેવો જ અનુભવી રહ્યું છે. જો કે, એક ચિંતા એ પણ છે કે કોવિડના ટેસ્ટિંગમાં તાજેતરમાં જ ઘટાડાને કારણે આ સંખ્યાઓ ઓછી હોવાનો અંદાજ છે એમ બીબીસીનું કહેવું છે.