Chinese Spy Balloon : ગુબ્બારો તોડી પાડ્યા બાદ ચીને કેમ નહોતો ઉપાડ્યો અમેરિકાનો ફોન?
ચીનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કેમ અમેરિકાએ ચીની બલૂનને તોડી પાડ્યા બાદ તેણે અમેરિકી સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિન સાથે ફોન પર વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

Chinese Spy Balloon Issue : ચીનના જાસુસી ગુબ્બારાને લઈને ઉભો થયેલો વિવાદ હજી પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ મામલે એક પછી એક એવા અતિસંવેદનશીલ ખુલાસાઓ થઈ રહ્યાં છે. જાસુસી ગુબ્બારાને તોડી પાડવામાં આવતા અમેરિકા અને ચીન ફરી એકવાર સામ સામે આવી ગયા છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કેમ અમેરિકાએ ચીની બલૂનને તોડી પાડ્યા બાદ તેણે અમેરિકી સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિન સાથે ફોન પર વાત કરવાનો ઇનકાર કર્યો હતો. ચીને વોશિંગ્ટનથી આવેલા ફોનને પણ બેઈજીંગે ઉપાડ્યો નહોતો.
ચીનનો આરોપ છે કે, અમેરિકાએ વાતચીત માટે "યોગ્ય વાતાવરણ" બનાવ્યું ન હતું. દરમિયાન, યુ.એસ.એ ચીનના સર્વેલન્સ બલૂન પ્રોગ્રામનો પર્દાફાશ કરવા માટે તેના મિત્રો અને સહયોગીઓ, ખાસ કરીને તેના 'ક્વાડ' સાથી - ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન - સાથે તેના રાજદ્વારી પ્રયાસોને વેગ આપ્યો છે.
ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા તાન કેફેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકાના પગલાએ "આંતરરાષ્ટ્રીય ધોરણોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે અને એક વિનાશક દાખલો બેસાડ્યો છે". ટેને કહ્યું હતું કે, અમેરિકાના આ બેજવાબદાર અને તદ્દન ખોટા અભિગમથી બંને સૈન્ય વચ્ચે વાતચીત અને આદાનપ્રદાન માટે યોગ્ય વાતાવરણ ઊભું થયું નથી. તેથી જ ચીને બંને સંરક્ષણ મંત્રીઓ વચ્ચે ફોન પર વાતચીતના અમેરિકાના પ્રસ્તાવને સ્વીકાર્યો ન હતો. બેઇજિંગે કહ્યું હતું કે, અમેરિકાએ ગુબ્બારાનો નાશ કરીને "અતિશય પ્રતિક્રિયા" આપી. તેમણે આ કાર્યવાહીને 'બેજવાબદાર' ગણાવી હતી.
ચીનના બલૂન પ્રોગ્રામથી 40 દેશોને અસર
દરમિયાન, અમેરિકાના વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચીનના બલૂન સર્વેલન્સ પ્રોગ્રામથી અમેરિકા સહિત ઓછામાં ઓછા 40 દેશો પ્રભાવિત થયા છે. પરંતુ તેણે તે દેશોના નામ આપવાનો ઇનકાર કર્યો છે જ્યાં અત્યાર સુધી આ ફુગ્ગાઓ જોવા મળ્યા છે. તો બીજીબાજુ ચીને આવો કોઈ કાર્યક્રમ ચલાવ્યો હોવાનો ઘસીને ઈન્કાર કરી દીધો છે. પરંતુ અમેરિકાએ કહ્યું હતું કે, તે ચીનમાં આવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપતી સંસ્થાઓ અને કંપનીઓ પર પ્રતિબંધ સહિત પગલાં લેવા પર કામ કરી રહ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે, અમે આ સિસ્ટમને વહેલામાં શોધી કાઢી હતી અને સમજદારીભરી કાર્યવાહી કરી હતી, તેથી અમે તેની ગુપ્ત માહિતી એકત્ર કરવાની સંભાવનાને ઘટાડવામાં સક્ષમ હતા.
અમેરિકા અન્ય દેશોને મદદ કરશે
તેમણે કહ્યું હતું કે, પરંતુ દરેક દેશ માટે આમ કરવું શક્ય બનશે નહીં. તેથી અમેરિકા એવા દેશોને માહિતી આપશે જે આવા પ્રોગ્રામ સામે રક્ષણ આપવામાં મદદરૂપ થઈ શકે. તેમણે કહ્યું હતું કે, ચીનનો આ કાર્યક્રમ પાંચ મહાદ્વીપોના 40 દેશોમાં ફેલાયેલો છે. અમેરિકાએ શનિવારે દક્ષિણ કેરોલિનાના કિનારે એટલાન્ટિક મહાસાગરમાં 30 જાન્યુઆરીએ અમેરિકી એરસ્પેસમાં પ્રવેશેલા ફાઇટર જેટની મદદથી એક મોટા બલૂનને હવામાં જ તોડી પાડ્યું હતું. અમેરિકાએ આ માહિતી તેના ક્વાડ સાથી અને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ના સહયોગી સાથે શેર કરી હતી. પ્રાઇસે જણાવ્યું હતું કે, અમેરિકા આવા પ્રોગ્રામ દ્વારા લક્ષ્યાંકિત દેશોનું ઔપચારિક ગઠબંધન બનાવવાનું વિચારી રહ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
