(Source: ECI/ABP News/ABP Majha)
Congress Leader : કેબ્રિજમાં રાહુલ ગાંધી PM મોદી પર ફિદા, આ 2 યોજનાને માથે ચડાવી
પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ મોદી સરકારની નીતિઓની યાદી આપી શકે છે જેનાથી ભારતના લોકોને ફાયદો થયો હોય?
Ujjwala Yojana: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અવારનવાર પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો કરતા રહે છે. રાહુલે પીએમ મોદીના વખાણ કર્યા હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ પીએમ મોદીના વખાણ કરતા સૌકોઈ આશ્ચર્ય પામ્યા છે. રાહુલ ગાંધીએ મોદી સરકારની બે નીતિઓના ભારોભાર વખાણ કર્યા હતાં અને પ્રશંસાના ભારોભાર પુલ બાંધ્યા હતાં. રાહુલ ગાંધી હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે અને તેમણે વિદેશની ધરતી પરથી પીએમ મોદીની બે યોજનાની પ્રશંસા કરી હતી.
બ્રિટનમાં આવેલી દુનિયાની ટોચની યુનિવર્સિટીઓમાંની એક એવી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદી સરકારમાં લોકોના બેંક ખાતા ખોલવા અને મહિલાઓ માટે લાવવામાં આવેલી ઉજ્જવલા યોજના એક સારું પગલું છે.
કેમ્બ્રિજમાં રાહુલે કહ્યું કે...
પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ મોદી સરકારની નીતિઓની યાદી આપી શકે છે જેનાથી ભારતના લોકોને ફાયદો થયો હોય? તેના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મહિલાઓને મફત સિલિન્ડર આપવી અને લોકોના બેંક ખાતા ખોલાવવાની ઉજ્જવલા યોજના એક સારું પગલું છે. જોકે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહારો પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ પોતાના વિચારો ભારત પર લાદી રહ્યા છે, જેને કોઈ સ્વીકારશે નહીં. જો તમે લોકો પર ફક્ત એક જ વિચાર લાદશો, તો તેની પ્રતિક્રિયા ચોક્કસપણે આવશે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, તેમના અને અન્ય કેટલાક વિપક્ષી નેતાઓના ફોનમાં પેગાસસ સ્પાયવેર હતા અને જાસૂસ અધિકારીઓએ પોતે જ તેમને વાત કરતી વખતે સાવચેત રહેવા કહ્યું હતું. કારણ કે તેમની વાતોને રેકોર્ડ કરવામાં આવી રહી હતી. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ તેમની યુટ્યુબ ચેનલ પર રાહુલ ગાંધીના પ્રવચનનો વીડિયો જાહેર કર્યો છે.
'વિપક્ષો સામે કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે'
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે (વિપક્ષ) સતત આ પ્રકારનું દબાણ અનુભવી રહ્યા છીએ. વિપક્ષો સામે કેસ નોંધવામાં આવી રહ્યા છે. મારી સામે કેટલાક ફોજદારી કેસો નોંધવામાં આવ્યા હતા. આ કેસ કોઈપણ સંજોગોમાં ફોજદારી કેસ ન હતા.
ગયા વર્ષે, એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાએ જણાવ્યું હતું કે, પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને 300 થી વધુ ભારતીય મોબાઇલ ફોન નંબરોને દેખરેખ માટે સંભવિત લક્ષ્યોની સૂચિમાં મૂકવામાં આવ્યા હતા. જેમાં ઘણા રાજકારણીઓ અને પત્રકારોના ફોન નંબરનો સમાવેશ થાય છે. ત્યાર બાદ કોંગ્રેસ અને અન્ય ઘણા વિપક્ષી દળોએ આ મુદ્દે સંસદમાં અને સંસદની બહાર સરકાર પર નિશાન સાધ્યું હતું અને જાસૂસીનો આરોપ લગાવ્યો હતો.