Rahul Gandhi : રાહુલે ફરી ભાંગરો વાટ્યો, ચીનને 'શાંતિદૂત' ગણાવી ભારતની આબરૂના લીરે લીરા ઉડાડ્યા
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ અનેક ઉદાહરણો દ્વારા પોતાની વાત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ચીનની વ્યૂહરચનાનો ઉલ્લેખ કર્યો હતો.
Rahul Gandhi On China : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતાના ભાષણે લઈ વિવાદ સર્જ્યો છે. રાહુલ ગાંધીએ ચીનના વખાણ કર્યા હતાં. એટલુ જ નહીં રાહુલ ગાંધીએ ચીનને શાંતિનો પક્ષધર દેશ ગણાવી દીધો હતો. રાહુલ ગાંધીએ આમ કહી એલએસી પર વારંવાર ઉંબાડીયા કરી રહેલા ચીનને ક્લિન ચીટ આપી દીધી હતી અને ભારત તરફ જ આંગળી ચીંધી દીધી હતી. આટલુ ઓછું હોય તેમ રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરને લઈને પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ અનેક ઉદાહરણો દ્વારા પોતાની વાત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ચીનની વ્યૂહરચનાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેના દ્વારા કરવામાં આવેલા વિકાસ વિશે વાત કરી હતી અને પશ્ચિમી દેશોની વિચારધારા પર પણ વિગતવાર વર્ણન કર્યું હતું.
રાહુલે ચીન વિશે શું કહ્યું?
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમે ચીનમાં જે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ છો, રેલવે, એરપોર્ટ, આ બધું પ્રકૃતિ, નદીની શક્તિ સાથે જોડાયેલું છે. ચીન પ્રકૃતિ સાથે મજબૂત રીતે જોડાયેલું છે. અને જ્યારે અમેરિકાની વાત આવે છે ત્યારે તે પોતાની જાતને કુદરત કરતા પણ મોટો માને છે. ચીનને શાંતિમાં કેટલો રસ છે તે સમજવા માટે આ બાબત પૂરતી છે. આ ઉપરાંત રાહુલે ચીન વિશે વધુમાં કહ્યું હતું કે, ત્યાંની સરકાર કોર્પોરેશનની જેમ કામ કરે છે. તેના કારણે દરેક માહિતી પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ છે. તેમના મતે હાલમાં ભારત અને અમેરિકામાં આવી સ્થિતિ નથી. રાહુલ એમ પણ માને છે કે, આ જ કારણ છે કે ચીન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મામલે આ હદે પ્રગતિ કરી નાખી છે.
જમ્મુ-કાશ્મીરને લઈને રાહુલનું નિવેદન
રાહુલે પોતાના સંબોધન દરમિયાન પુલવામા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરને 'કહેવાતું હિંસક સ્થળ' ગણાવી દીધું હતું. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, કાશ્મીર એક બળવાખોર રાજ્ય છે અને કહેવાતુ હિંસક સ્થળ છે. હું તે જગ્યાએ પણ ગયો હતો જ્યાં અમારા 40 જવાન શહીદ થયા હતા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલે આપેલા અન્ય ઘણા નિવેદનો પણ ચર્ચાનો વિષય બન્યા છે. પેગાસસ અંગે તેમના વતી નિવેદન આપવામાં આવ્યું હતું.
રાહુલે કહ્યું હતું કે, ભારતમાં લોકશાહી ખતરામાં છે. મારી પાસે મારા ફોનમાં પેગાસસ પણ હતું. મને અધિકારીઓએ ફોન પર ધ્યાનથી વાત કરવાની સલાહ આપી હતી. કારણ કે ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. ભારતમાં લોકશાહી ખતરામાં છે. અમે સતત દબાણ અનુભવીએ છીએ. વિપક્ષી નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. મારી સામે ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આવા કેસોમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જે બિલકુલ બનતા નથી. અમે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
રાહુલે પોતાના નિવેદન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, પીએમ દ્વારા ભારતના વિચારને નષ્ટ કરવામાં આવી રહ્યો છે. તેઓ એક વિચાર દેશ પર થોપવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, પીએમ કેટલાક લોકોને સેકંડ ક્લાસ નાગરિક માને છે.