Cyclone : હવે અંતરીક્ષમાંથી દેખાઈ બિપરજોયની ભયાનકતા, NASAએ જાહેર કરી તસવીર
આજે સાંજ સુધીમાં તે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. આ દરમિયાન અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા પણ બિપરજોયને લઈને એક તસવીર શેર કરવામાં આવી છે.
Cyclone Image : અરબી સમુદ્રમાં ધામા નાખેલુ ચક્રવાતી તોફાન બિપરજોય આજે સાંજે ભારતના ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. તોફાન પહેલા પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થિતિ ઘણી ગંભીર બની છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. માનવામાં આવે છે કે આજે સાંજ સુધીમાં તે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. આ દરમિયાન અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા પણ બિપરજોયને લઈને એક તસવીર શેર કરવામાં આવી છે. આ તસવીર અવકાશમાંથી લેવામાં આવી છે. જેનું મૂળ ધ્યાન ભારતના ગુજરાત નજીક અરબી સમુદ્ર પર છે. નાસાની તસવીર જોઈને જ સમજી શકાય છે કે આ સમયે આ તોફાન કેટલું પ્રચંડ છે.
નાસાની અર્થ ઓબ્ઝર્વેટરી દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં સમુદ્રની જગ્યાએ સફેદ તોફાનનું વિશાળ વર્તુળ દેખાઈ રહ્યું છે. જે આ વિસ્તારમાં સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવેલ છે. વાવાઝોડાનું પ્રમાણ કેટલું મોટું છે તે જણાવવા માટે આ તસવીર પૂરતી છે. જ્યારે તે ભારતીય દરિયાકાંઠે અથડાશે ત્યારે તે કેટલી તબાહી મચાવી શકે છે તેનો અંદાજ આ તસવીર પરથી જ લગાવી શકાય છે. અહેવાલ અનુસાર, આ વાવાઝોડાની ગંભીરતાને જોતા ગુજરાતમાં વહીવટીતંત્રે ગુરુવારે સવાર સુધીમાં લગભગ એક લાખ લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દૂર કર્યા છે.
NASAએ જારી કરેલી બિપરજોય વાવાઝોડાની અવકાશી તસવીર
NDRFનું ધ્યાન ગુજરાત-મહારાષ્ટ્ર પર
દરિયાઈ વિસ્તારને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યો છે. હાલમાં અરબી સમુદ્રના આ વિસ્તારમાં કોઈ દરિયાઈ જહાજ નથી. આ વિસ્તારમાંથી માછીમારોને પહેલા જ બહાર કાઢવામાં આવ્યા હતા. 10 જૂનથી દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાનું કામ ચાલી રહ્યું છે. ભારતીય રેલ્વેએ આ વિસ્તારોમાંથી પસાર થતી લગભગ 100 ટ્રેનો પણ રદ કરી છે. NDRFનું મુખ્ય ધ્યાન ગુજરાત સિવાય ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર છે.
અગાઉ ISSએ જારી કર્યો હતો વીડિયો
ઉત્તર-પૂર્વી અરબી સમુદ્રમાં સર્જાયેલુ અને ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારૂ બિપરજોય ચક્રવાતનો અત્યાર સુધીમાં ક્યારેય ના જોવાયેલો ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અવકાશમાં 400 કિલોમીટર ઉપરથી લેવામાં આવ્યો છે. જેમાં બિપરજોયનું મહાભયાનક સ્વરૂપ દેખાઈ રહ્યું છે. જેને કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)એ તાજેતરમાં જ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા બિપરજોય ચક્રવાતના ફૂટેજ જારી કર્યા છે. યુનાઇટેડ આરબ અમીરાતના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ તાજેતરમાં અવકાશમાં ISSથી અરબી સમુદ્ર પર ભયંકર ચક્રવાત બિપરજોયના મંત્રમુગ્ધ કરનાર ફૂટેજ શેર કર્યા પછી ટ્વિટર પર ખૂબ જ તોફાન મચાવ્યું હતું.
વાયરલ વિડિયોમાં નેયાદી તેના કૅમેરાને જમીનથી સમુદ્ર સુધી પૅન કરે છે, જે સમુદ્ર પર વાદળોનું વિશાળ આવરણ દર્શાવે છે. જેમ જેમ ISS પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે તેમ તેમ અરબી સમુદ્ર પરના સફેદ વાદળો જાણે ધીમે ધીમે માર્ગ આપત અહોય તેમ લાગી રહ્યું છે. વીડિયોમાં બિપરજોયના ભયાનક વમળો છેક અનેક કિલોમીટર ઉપર અવકાશમાંથી સ્પષ્ટરૂપે જોઈ શકાયછે. પૃથ્વીથી 400 કિલોમીટર ઉપરથી ચક્રવાતનું દ્રષ્ય જાણે કે કોઈ કપાસના રૂ નો ઢગલો હોય તેમ સફેદ સફેદ દેખાઈ રહ્યું છે. જાણે કે, ચક્રવાતના કેન્દ્ર તરફ ખરબચડી પર્વતમાળાઓ હોય.
આ વીડિયો અને તસવીરોમાંથી સ્પષ્ટરૂપે જોઈ શકાય છે કે, વાવાઝોડાનો ઘેરાવ કેવો અને કેટલો છે. તેવી જ રીતે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ચક્રાવાતનો ઘેરાવ કેટલો વિશાળ છે. તેમાં સર્જાતા ચક્રવાતી વમળો પણ ભયાનક છે. ચક્રવાત ધીમે ધીમે કઈ રીતે આગળ વધી રહ્યું છે અને દરિયાકાઠાં સાથે ટકારાતા કઈ હદે વિનાશ વેરશે તેની ભયાનકતા દર્શાવે છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી જાહેર કરવામાં આવેલા બિપરજોય ચક્રવાતની આ પહેલી અવકાશી તસવીર અને વીડિયો છે. જેનાથી ચક્રવાતની ભયાનકતાની સાચી તસવીર સામે આવી છે. અત્યાર સુધી તો માત્ર અંદાજ જ લગાવવામાં આવતો હતો કે બિપરજોય ચક્રવાત કેવું છે.