Dating Leave: પ્રેમમાં વચ્ચે નહી નડે ઓફિસ, ડેટ પર જવા મળશે રજા, આ કંપની લાવી પોલિસી
Dating Leave: આ કંપનીએ તેના કર્મચારીઓને વર્ક-લાઇફ બેલેન્સ આપવા માટે એક નવી પોલિસીની શરૂઆત કરી છે
Dating Leave: નોકરી કરતા યુવાનો સાથે ઘણી વખત આવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે જ્યારે તેઓ ઓફિસ અને કામના દબાણને કારણે પોતાના માટે સમય કાઢી શકતા નથી. વર્ક-લાઇફ બેલેન્સ માટે કંપનીઓ ઘણીવાર વિવિધ પગલાં લે છે. આ કંપનીએ તેના કર્મચારીઓને વર્ક-લાઇફ બેલેન્સ આપવા માટે એક નવી પોલિસીની શરૂઆત કરી છે. જેની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે.
આ કંપની પગાર સાથે આપશે ડેટ માટે રજા
આની શરૂઆત થાઈલેન્ડની એક કંપની દ્વારા કરવામાં આવી છે, જેનું નામ છે વ્હાઈટલાઈન ગ્રુપ. આ કંપની માર્કેટિંગ એજન્સી તરીકે કામ કરે છે. ધ સ્ટ્રેટ્સ ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, કંપનીએ તેના કર્મચારીઓને ડેટ પર જવા માટે પેઇડ લીવ આપવાની જાહેરાત કરી છે. આ હેઠળ કંપનીના કર્મચારીઓ તેમના પાર્ટનર સાથે ડેટ પર જવા માટે કંપનીમાંથી રજા લઈ શકશે અને તે દિવસની તેમને સેલેરી પણ આપવામાં આવશે.
કંપની ટિન્ડર ગોલ્ડ અને પ્લેટિનમ માટે ચૂકવણી કરશે
કંપનીએ આ લીવ પોલિસીને ટિન્ડર લીવ નામ આપ્યું છે, જેને ડેટિંગ લીવ પણ કહેવામાં આવે છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે તેના કર્મચારીઓ માટે Tinder Gold અને Tinder Platinum સબસ્ક્રિપ્શન માટે પૈસા પણ આપશે. આ લીવ અને Tinder સબસ્ક્રિપ્શન પેમેન્ટ ઓફર તેના તમામ કર્મચારીઓ માટે છે. જોકે, કંપનીએ એ નથી જણાવ્યું કે ટિન્ડર લીવ હેઠળ કર્મચારીઓ કેટલી રજાઓ લઈ શકે છે.
વ્હાઇટલાઇન ગ્રુપની ટિન્ડર લીવ પોલિસી જૂલાઈથી શરૂ થઈ છે અને આ વર્ષના અંત સુધીમાં કંપનીમાં જોડાનારા કર્મચારીઓ આ ઓફરનો લાભ લઈ શકશે. કંપનીએ પ્રોફેશનલ સોશિયલ નેટવર્ક LinkedIn પર પણ આ પોલિસી વિશે માહિતી આપી છે. કંપનીએ LinkedIn પર એક પોસ્ટમાં લખ્યું છે - અમારા કર્મચારીઓ કોઈને ડેટ કરવા માટે Tinder લીવનો ઉપયોગ કરી શકે છે.
કંપનીને આશા છે કે તેના કર્મચારીઓના કામમાં સુધારો થશે.
કંપનીએ પોતાના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને આ અનોખું અભિયાન શરૂ કર્યું છે. કંપની માને છે કે પ્રેમમાં પડવાથી કર્મચારીઓ ખુશ રહેશે. અંતે તેમના કામમાં સુધારો આવશે. કંપનીની પોલિસી અનુસાર, આ વર્ષે 9 જુલાઈથી 31 ડિસેમ્બર સુધી કંપનીમાં જોડાનારા કર્મચારીઓને ઓફરનો લાભ મળશે. હાલમાં કંપનીમાં લગભગ 200 કર્મચારીઓ છે.