ટ્રમ્પનો ધડાકો: 'ભારત ટેરિફ ઘટાડવા માટે રાજી થઈ ગયું છે!'
India tariff cut agreement: અમેરિકી રાષ્ટ્રપતિનો દાવો, ભારત અમેરિકી વસ્તુઓ પરના ટેક્સ ઘટાડવા સંમત, રશિયા-યુક્રેન યુદ્ધ પર સમજૂતી માટે પુનરોચ્ચાર.

Trump India tariffs news: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા દાવો કર્યો છે કે ભારત અમેરિકી માલસામાન પર લાદવામાં આવતા ટેરિફ (આયાત કર) ઘટાડવા માટે સંમત થયું છે. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અમેરિકી વસ્તુઓ પર એટલા ઊંચા ટેરિફ લગાવે છે કે ત્યાં અમેરિકન ઉત્પાદનો વેચવાનું લગભગ અશક્ય બની ગયું છે. આ નિવેદન અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં સંભવિત સુધારાનો સંકેત આપે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "ભારત અમારા પર ખૂબ જ ઊંચા ટેરિફ લાદે છે. તમે ભારતમાં કશું પણ વેચી શકતા નથી." તેમણે ભૂતકાળમાં પણ જાહેરાત કરી હતી કે 2 એપ્રિલ, 2025થી અમેરિકા કરતાં વધુ ટેક્સ વસૂલનારા તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ લાગુ કરવામાં આવશે. ટ્રમ્પનું માનવું છે કે ટેરિફ અમેરિકન ઉત્પાદન ક્ષેત્રને વેગ આપશે અને દેશમાં રોજગારીની તકોમાં વધારો કરશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ચીન હાલમાં ટેરિફને લઈને તીવ્ર વિવાદમાં ઉતર્યા છે. અમેરિકા દ્વારા ચીની માલસામાન પર ટેરિફ વધારવાના પગલાં સામે ચીને પણ વળતો જવાબ આપવાની તૈયારી દર્શાવી છે. અમેરિકાએ ચીનથી આયાત થતી વસ્તુઓ પર 20 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેના કારણે બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં ચીનની નજર હવે ભારત પર મંડરાઈ રહી છે.
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ શુક્રવારે ભારત અને ચીનને એકબીજા સાથે સહકાર વધારવા અને વર્ચસ્વ તેમજ સત્તાની રાજનીતિનો વિરોધ કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો ચીન અને ભારત એક થઈને કામ કરે તો આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ લોકશાહી વ્યવસ્થા અને ગ્લોબલ સાઉથના દેશોને મજબૂત કરવામાં મદદ મળશે. ગ્લોબલ સાઉથમાં મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના વિકાસશીલ અથવા ઓછા વિકસિત દેશોનો સમાવેશ થાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "જો તેઓ (રશિયા અને યુક્રેન) સમાધાન કરવા માંગતા ન હોય તો અમે તેમાં સામેલ નથી થવા માંગતા, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે તેઓ સમાધાન કરે. હું યુદ્ધમાં થતા મૃત્યુને રોકવા માંગું છું. અને યુદ્ધ પછી પુનર્નિર્માણ માટે પૈસાની જરૂર પડશે." ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે, "મને યુક્રેન સાથે વાતચીત કરવી વધુ મુશ્કેલ લાગે છે, અમે તેમને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ યુક્રેને પણ સમાધાન માટે આગળ આવવું પડશે."
આ પણ વાંચો....
અમેરિકા આડું ફાટ્યું તો ભારતના સપોર્ટમાં આવ્યું ચીન, કહ્યું – આપણે એક સાથે મળીને તેના....





















