'હું ના રોકતો તો એક સપ્તાહમાં પરમાણુ યુદ્ધ થયુ હોત...', ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય લીધો
તેમણે વધુમાં કહ્યું હતું કે, "જે રીતે ભારત અને પાકિસ્તાન લડી રહ્યા હતા તેનાથી એક અઠવાડિયામાં પરમાણુ યુદ્ધ ફાટી નીકળ્યું હોત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગેના પોતાના દાવાને ફરી દોહરાવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મેં ટ્રેડ મારફતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને અટકાવ્યો છે, જે 'પરમાણુ યુદ્ધ'માં ફેરવાઈ શક્યું હોત. ઓવલ ઓફિસમાં નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, "અમે યુદ્ધો ઉકેલવામાં ખૂબ જ સફળ રહ્યા છીએ. તમારી પાસે ભારત-પાકિસ્તાન છે. તમારી પાસે રવાન્ડા અને કોંગો છે, જે 30 વર્ષથી ચાલી રહ્યું હતું." તેમણે વધુમાં કહ્યું હતું કે, "જે રીતે ભારત અને પાકિસ્તાન લડી રહ્યા હતા તેનાથી એક અઠવાડિયામાં પરમાણુ યુદ્ધ ફાટી નીકળ્યું હોત. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને અમે ટ્રેડ મારફતે આ મુદ્દાને ઉકેલી લીધો હતો. મેં કહ્યું હતું કે, 'જ્યાં સુધી તમે આ મામલો ઉકેલશો નહીં, ત્યાં સુધી અમે તમારી સાથે વેપાર વિશે વાત કરીશું નહીં' અને તેઓએ તેમ કર્યું. તેઓ બંને મહાન છે." ભારતે ટ્રમ્પના દાવાને ઘણી વખત ફગાવી દીધો છે
10 મેથી, જ્યારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન વોશિંગ્ટન દ્વારા મધ્યસ્થી કરાયેલી લાંબી વાટાઘાટો પછી 'સંપૂર્ણ અને તાત્કાલિક' યુદ્ધવિરામ માટે સંમત થયા છે, ત્યારે તેમણે એક ડઝનથી વધુ વખત આ દાવાને દોહરાવ્યો હતો. જેમાં તેઓ કહેતા રહ્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ઉકેલવામાં મદદ કરી છે.
જોકે, ભારત સતત કહેતું રહ્યું છે કે પાકિસ્તાન સાથે યુદ્ધ સમાપ્ત કરવાનો કરાર બંને સેનાઓના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે સીધી વાતચીત પછી થયો હતો.
ટ્રમ્પ અને મોદી વચ્ચે શું ચર્ચા થઈ?
ગયા મહિને ટ્રમ્પ સાથે લગભગ 35 મિનિટના ફોન કોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત 'ક્યારેય મધ્યસ્થી સ્વીકારતું નથી' અને ભારતીય અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે લશ્કરી કાર્યવાહી સમાપ્ત કરવા અંગે ચર્ચા ઇસ્લામાબાદની વિનંતી પર શરૂ થઈ હતી.
ભારતે 7 મેના રોજ પહેલગામ હુમલાના બદલામાં 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા. ચાર દિવસના સીમાપાર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ પછી ભારત અને પાકિસ્તાન 10 મેના રોજ સંઘર્ષ સમાપ્ત કરવા સંમત થયા હતા.





















