(Source: ECI/ABP News/ABP Majha)
અઠવાડિયામાં ફક્ત 4 દિવસ કામ કરશે આ દેશના કર્મચારીઓ, જાણો આ નિયમનું કારણ
યુક્રેન અને રશિયા વચ્ચે થયેલા યુદ્ધની અસર વિવિધ સ્વરુપે દુનિયાને પહોંચી રહી છે. અમેરિકા દ્વારા રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો પણ આ અસરનું કારણ છે જેથી ઘણા દેશોના અર્થતંત્ર પર અસર થઈ રહી છે.
યુક્રેન અને રશિયા વચ્ચે થયેલા યુદ્ધની અસર વિવિધ સ્વરુપે દુનિયાને પહોંચી રહી છે. અમેરિકા દ્વારા રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો પણ આ અસરનું કારણ છે જેથી ઘણા દેશોના અર્થતંત્રમાં નકારાત્મક અસરો થઈ રહી છે. આ અસર રુપે ફિલિપાઈન્સમાં કર્મચારીઓને અઠવાડિયામાં ફક્ત 4 દિવસ જ કામ કરવાનો નિયમ લાવવામાં આવી રહ્યો છે. આ નિયમ સરકારી અને ખાનગી કર્મચારીઓને લાગુ પડશે. ફિલિપાઈન્સની સરકારે કર્મચારીઓને 4 દિવસ કામ કરવાનો નિયમ અમલી બનાવવા પ્રસ્તાવ મુક્યો છે જેનો અમલ ટૂંક સમયમાં થઈ શકે છે.
હાલ દુનિયાના ઘણા દેશોનું અર્થતંત્ર મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે. એવા સમયમાં ફિલિપાઈન્સના નાણાં પ્રધાન કાર્લોસ ડોમિનુએઝની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક દરમ્યાન કર્મચારીઓને અઠવાડિયાના 4 દિવસ કામ કરવાના નિયમ પર વિચાર કરવામાં આવ્યો હતો. ફિલિપાઈન્સની અર્થવ્યવસ્થા હાલ સંકટમાં છે ત્યારે ફિલિપાઈન્સમાં પેટ્રોલિયમ ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટીને ઘટાડવા માટે માંગ કરાઈ હતી જો કે તેના બદલે ફિલિપાઈન્સની સરકારે કર્મચારીઓના કામકાજના દિવસોમાં ઘટાડો કરવાનો વિકલ્પ અમલી બનાવવાનો વિચાર કર્યો છે. કર્મચારીઓ ઓછા દિવસ કામ કરશે તો પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટશે તેવો તર્ક હાલ સરકાર આપી રહી છે. ફિલિપાઈન્સના અર્થશાસ્ત્રી અને આયોજન વિભાગના પ્રધાન કાર્લ ચુઆ આ વિકલ્પના સમર્થનમાં છે. તેમના મતે આ નિર્ણયથી બિઝનેસ ચલાવવાનો ખર્ચ પણ ઘટશે. આ ઉપરાંત શ્રમ વિભાગે શ્રમિકોને તેમના 3 મહિનાના પગાર જેટલી આર્થિક સહાય આપવાનો પ્રસ્તાવ પણ મુક્યો છે.
હાલ યુક્રેન-રશિયા યુદ્ધના કારણે ઘણા દેશોમાં પેટ્રોલિયમ પેદાશોનો પુરવઠો પુરતો નથી મળી રહ્યો અને તેના ભાવ સતત વધી રહ્યા છે. ફિલિપાઈન્સમાં પણ આ યુદ્ધની અસર દેખાઈ રહી છે. હાલ ફિલિપાઈન્સની બજેટ ખાધ એટલે કે ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત વધી રહ્યો છે. અને GDP 7.7 ટકા થવાની શક્યતા છે. ફિલિપાઈન્સનું દેવું પણ જીડીપીના 60.9% સુધી પહોંચી શકે તેવું અનુમાન છે. આર્થિક વ્યૂહરચનાકારોનું માનવું છે કે આ સ્થિતિમાં જો પેટ્રોલિયમ ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યુટીમાં છૂટ આપવામાં આવે તો બજેટ ખાધ 8.2% અને દેવાનો બોજ 61.4% વધી શકે છે. તેથી જ સરકારે આ પેટ્રોલિયમ ઉત્પાદનો પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો વિકલ્પ અમલી નથી બનાવ્યો.