અફઘાનિસ્તાનમાં રહેનારા 100થી વધુ શીખ-હિંદુઓને ભારતના વીઝા અપાયા
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા 18 જૂને રાજધાની કાબુલમાં ગુરુદ્વારા કાર્તે પરવાન પર આતંકી હુમલો થયો હતો. આતંકીઓએ અહીં અનેક બ્લાસ્ટ કર્યા હતા.
નવી દિલ્હીઃ ભારત સરકારે અફઘાનિસ્તાનના 100 થી વધુ શીખ અને હિન્દુ નાગરિકોને ભારતના વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે ઈ-વિઝા જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા 18 જૂને રાજધાની કાબુલમાં ગુરુદ્વારા કાર્તે પરવાન પર આતંકી હુમલો થયો હતો. આતંકીઓએ અહીં અનેક બ્લાસ્ટ કર્યા હતા.
હુમલામાં ગુરુદ્વારાના મુસ્લિમ સુરક્ષા ગાર્ડનું મોત થયું હતું. ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી બેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
ગુરુદ્વારા પર હુમલા બાદ પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના શીખો પવિત્ર પુસ્તક લેવા માટે ઇમારતમાં પ્રવેશ્યા હતા. આ ઇમારતમાં આગ લાગી હતી. આ હુમલા બાદ વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે પવિત્ર ગુરુદ્વારા પર હુમલાના સમાચારથી અમે ખૂબ જ ચિંતિત છીએ.
હુમલા પાછળ ISIS ખુરાસાનનો હાથ છે
એક રિપોર્ટ અનુસાર, કાબુલમાં ગુરુદ્વારા પર હુમલા પાછળ ISIS ખુરાસાનનો હાથ હતો. હુમલો સવારે 7:15 વાગ્યે (ભારતીય સમય મુજબ 8.30 વાગ્યે) થયો હતો. ગુરુદ્વારાની સુરક્ષા દરમિયાન 3 તાલિબાન સૈનિકો પણ ઘાયલ થયા હતા. હુમલા સમયે ગુરુદ્વારામાં સવારની પ્રાર્થના માટે 25-30 અફઘાન હિંદુઓ અને શીખો હાજર હતા.