પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જ ટ્રમ્પને જૂઠા સાબિત કર્યા: ભારતે અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે આ મામલો 'દ્વિપક્ષીય' છે, ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નહીં: ઈશાક ડાર.

India rejects US ceasefire offer: પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે એક મોટો ખુલાસો કરીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વારંવારના દાવાઓને જૂઠા સાબિત કરી દીધા છે. ઈશાક ડારે સ્વીકાર્યું છે કે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન અમેરિકા પોતે જ યુદ્ધવિરામનો પ્રસ્તાવ લઈને આવ્યું હતું, પરંતુ ભારતે આ પ્રસ્તાવને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે કે આ મામલો બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે, જેમાં કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકાર્ય નથી.
ઈશાક ડારે અમેરિકા સાથેની વાતચીતનો કર્યો ખુલાસો
પાકિસ્તાનના વિદેશ મંત્રી અને નાયબ વડા પ્રધાન ઈશાક ડારે અલ જઝીરાને આપેલા એક ઇન્ટરવ્યુમાં 'ઓપરેશન સિંદૂર' અંગે યુએસના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે થયેલી તેમની વાતચીતનો ખુલાસો કર્યો હતો. ઈશાક ડારે જણાવ્યું કે માર્કો રુબિયોએ તેમને કહ્યું હતું કે ભારત યુદ્ધવિરામ માટે કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારશે નહીં, કારણ કે તે બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. આ નિવેદનથી ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાઓનો પર્દાફાશ થયો છે, જેમાં તેઓએ દાવો કર્યો હતો કે તેમણે યુદ્ધવિરામ કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વાતચીત માટે તૈયાર, પણ ભીખ નહીં માંગે પાકિસ્તાન
ભારત સાથે વાતચીત માટે પાકિસ્તાનનું વલણ શું છે તે અંગે પૂછવામાં આવતા ઈશાક ડારે કહ્યું કે, પાકિસ્તાને ઘણી વખત પહેલ કરી છે. તેમણે કહ્યું, "અમને ત્રીજા પક્ષની મધ્યસ્થી સામે કોઈ વાંધો નથી, પરંતુ ભારતનું વલણ સ્પષ્ટ છે કે આ એક દ્વિપક્ષીય મુદ્દો છે." આ ઉપરાંત, તેમણે એ પણ કહ્યું કે પાકિસ્તાન દ્વિપક્ષીય વાતચીત માટે તૈયાર છે, પરંતુ તે ભીખ નહીં માંગે. "જો કોઈ દેશ વાતચીત કરવા ઈચ્છે છે, તો અમે ખુશ થઈશું, પરંતુ અમે કંઈપણ માંગી રહ્યા નથી. અમે શાંતિપ્રિય દેશ છીએ અને માનીએ છીએ કે વાતચીત જ આગળ વધવાનો એકમાત્ર માર્ગ છે."
આખરે, ઈશાક ડારના નિવેદનથી એ વાતની પુષ્ટિ થઈ કે ભારતે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ક્યારેય કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી. આનાથી એ પણ સ્પષ્ટ થયું કે યુદ્ધવિરામનો નિર્ણય બંને દેશોના ડીજીએમઓ (DGMOs) વચ્ચેની વાતચીત પછી લેવામાં આવ્યો હતો, અને તે કોઈ વિદેશી શક્તિના દબાણનું પરિણામ નહોતું.





















