(Source: Poll of Polls)
'ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ નહીં કર્યું તો વધુ ટેરિફ લગાવીશું', ટ્રમ્પે આપી ધમકી
તેમણે અગાઉ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને વ્યક્તિગત રીતે ખાતરી આપી હતી કે ભારત રશિયા પાસેથી ઓઈલની આયાત બંધ કરશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને રશિયન ઓઈલની ખરીદી પર પ્રતિબંધ નહીં મૂકવા પર "ભારે" ટેરિફ લગાવવાની ધમકી આપી છે. તેમણે અગાઉ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને વ્યક્તિગત રીતે ખાતરી આપી હતી કે ભારત રશિયા પાસેથી ઓઈલની આયાત બંધ કરશે. એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, "તેમણે (વડા પ્રધાન મોદી) મને કહ્યું હતું કે, 'હું રશિયન ઓઈલનો ઉપયોગ નહીં કરું.' પરંતુ જો તેઓ આમ કરવાનું ચાલુ રાખશે તો તેમણે ભારે ટેરિફ ચૂકવવો પડશે."
જ્યારે ટ્રમ્પને ભારત સરકારના પ્રતિભાવ વિશે પૂછવામાં આવ્યું કે તેમને તેમની અને વડાપ્રધાન મોદી વચ્ચેની તાજેતરની વાતચીતની કોઈ જાણકારી નથી, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો હતો કે "પરંતુ જો તેઓ એવું કહેવા માંગતા હોય તો તેઓ ભારે ટેરિફ ચૂકવવાનું ચાલુ રાખશે અને તેઓ તેમ કરવા માંગતા નથી."
આ નિવેદન બુધવારે ઓવલ ઓફિસમાં ટ્રમ્પની જાહેરાત બાદ આવ્યું છે કે વડાપ્રધાન મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. ટ્રમ્પે કહ્યું હતું કે "ભારતનું લગભગ એક તૃતીયાંશ તેલ રશિયાથી આવે છે. તેમનું વહીવટીતંત્ર ખરીદીઓને યુક્રેનના યુદ્ધ માટે મોસ્કોના નાણાકીય સમર્થન તરીકે જુએ છે.
જોકે, ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો હતો. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે તેઓ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચેની તાજેતરની વાતચીતથી અજાણ છે. જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા સહયોગ અંગે ચર્ચા ચાલી રહી છે, પરંતુ તેમણે ટ્રમ્પના દાવાની પુષ્ટી કરી નથી કે નવી દિલ્હી રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા માટે સંમત થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, "અમેરિકા સાથે ઊર્જા સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સતત ચર્ચાઓ ચાલી રહી છે."
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઊર્જા નીતિ પર મતભેદો હોવા છતાં વડા પ્રધાન મોદી અમારા નજીકના સાથી છે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ચીન સાથેના તણાવ વચ્ચે ભારતને વિશ્વસનીય ભાગીદાર માને છે ત્યારે તેમણે કહ્યું, "તેઓ (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) મારા મિત્ર છે. અમારા સંબંધો ખૂબ સારા છે."





















