Iran Drone: કેટલું ખતરનાક છે ઈરાનનું 'કર્રાર' ડ્રોન? જેટ એન્જીનથી ચાલતું આ હથિયાર અમેરિકા માટે કેમ બન્યું છે માથાનો દુખાવો?
Iran Drone: ઈરાનના નવા કર્રાર ડ્રોનને અમેરિકાના લશ્કરી થાણાઓ માટે એક મહત્વપૂર્ણ ખતરો માનવામાં આવી રહ્યો છે. જાણો તેની મુખ્ય વિશેષતાઓ અને તેને આટલું ખતરનાક હથિયાર કેમ માનવામાં આવે છે?

Iran Drone: મિડિલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાનનું એક ખાસ ડ્રોન ચર્ચામાં છે. આ ડ્રોનનું નામ કર્રાર (Karrar) UAV છે. આ એક જેટ-પાવર્ડ મલ્ટી-પર્પઝ ડ્રોન છે, જેનો ઉપયોગ ઈન્ટરસેપ્ટર, બોમ્બર અને સુસાઈડ ડ્રોન એમ ત્રણેય રીતે થઈ શકે છે. તેની તેજ ગતિ અને મારક ક્ષમતાને કારણે તેને ખાડી વિસ્તારમાં તૈનાત અમેરિકાના સૈન્ય મથકો માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે.
Army technology ના રિપોર્ટ મુજબ, કર્રાર ડ્રોનને 2010 માં પ્રથમ વખત સાર્વજનિક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. તેને ઈરાનના સંરક્ષણ ઉદ્યોગની એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. આ ઈરાનનું પ્રથમ સ્વદેશી જેટ એન્જિન ધરાવતું ડ્રોન છે અને દેશની એન્ટી-એક્સેસ/એરિયા ડિનાયલ (A2/AD) સૈન્ય વ્યૂહરચનાનો મહત્વનો હિસ્સો બની ગયું છે. તેની ગતિ અને સંચાલન ક્ષમતા તેને પરંપરાગત પ્રોપેલર વાળા ડ્રોનથી અલગ પાડે છે અને તે દુશ્મનના રડાર અને એર ડિફેન્સ સિસ્ટમ માટે મુશ્કેલ લક્ષ્ય બની જાય છે.
કર્રાર ડ્રોનની ટેકનિકલ ક્ષમતા અને ફીચર્સ
- કર્રાર ડ્રોનમાં ઘણી એવી ટેકનિકલ ખૂબીઓ છે, જે તેને યુદ્ધના મેદાનમાં ખતરનાક બનાવે છે:
- રેન્જ અને સ્પીડ: તેની રેન્જ લગભગ 1,000 કિલોમીટર હોવાનું કહેવાય છે. વન-વે અથવા સુસાઈડ મિશનમાં તેની પહોંચ આનાથી પણ વધુ હોઈ શકે છે. જેટ ટર્બો એન્જિનને કારણે તે લગભગ 900 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
- હથિયાર વહન ક્ષમતા: તે આશરે 250 થી 500 કિલોગ્રામ સુધીના હથિયારો અથવા વિસ્ફોટકો લઈ જઈ શકે છે. તેમાં કૌસર એન્ટી-શિપ મિસાઈલ અને અઝરખશ હવાથી હવામાં માર કરનારી મિસાઈલ જેવા હથિયારો લગાવી શકાય છે.
- લોન્ચિંગ સિસ્ટમ: તેને રનવેની જરૂર પડતી નથી. તેને રોકેટ બૂસ્ટર સાથે રેલ લોન્ચરથી ઉડાડવામાં આવે છે અને મિશન પૂર્ણ થયા બાદ પેરાશૂટથી નીચે ઉતારી શકાય છે.
યુદ્ધમાં કેમ માનવામાં આવે છે ખતરનાક?
કર્રાર ડ્રોન ઓછી કિંમતમાં વધુ મારક ક્ષમતા ધરાવતું હથિયાર છે. તેનું નવું વર્ઝન મજીદ મિસાઈલ થી સજ્જ હોવાનું કહેવાય છે, જેનાથી તે હવામાં જ દુશ્મનના વિમાન કે ડ્રોનને નિશાન બનાવી શકે છે. એટલું જ નહીં, તેની તેજ ગતિ અને સુસાઈડ એટેક મોડ તેને ઘણી બાબતોમાં ક્રૂઝ મિસાઈલ જેવું બનાવી દે છે.
જો તેનો મોટી સંખ્યામાં એકસાથે એટલે કે 'સ્વોર્મ' (Swarm) માં ઉપયોગ કરવામાં આવે તો તે દુશ્મનના એર ડિફેન્સ સિસ્ટમને ભ્રમિત અને નબળું પાડી શકે છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ખાડી વિસ્તારમાં સૈન્ય ગતિવિધિઓ વચ્ચે કર્રાર જેવા ડ્રોન ઈરાનની સંરક્ષણ વ્યૂહરચનામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ભવિષ્યના યુદ્ધોમાં આવા ડ્રોન ઓછા ખર્ચે મોટી સૈન્ય અસર પેદા કરી શકે છે.






















