ઈરાનના વિનાશને આડે માત્ર 24-48 કલાક બાકી! ઈઝરાયેલની મોટી જાહેરાત: 'અમેરિકા યુદ્ધમાં જોડાશે પણ.... '
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધમાં વૈશ્વિક જૂથબંધી તેજ, રશિયાએ અમેરિકાને લશ્કરી હસ્તક્ષેપ સામે ચેતવણી આપી.

Israel Iran conflict: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ભયાનક વળાંક લઈ રહ્યો છે, અને વૈશ્વિક રાજકારણ બે મુખ્ય જૂથોમાં વહેંચાયેલું દેખાઈ રહ્યું છે. આ કટોકટી વચ્ચે, ઈઝરાયેલે એક મોટો દાવો કર્યો છે કે અમેરિકા આગામી 24 થી 48 કલાકમાં ઈરાન સાથેના યુદ્ધમાં જોડાવાનો નિર્ણય લેશે. બીજી તરફ, રશિયાએ અમેરિકાને આ યુદ્ધમાં કોઈપણ લશ્કરી હસ્તક્ષેપ સામે ગંભીર ચેતવણી આપી છે.
અમેરિકાના નિર્ણયની ઘડી નજીક?
ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ, એક ઈઝરાયલી અધિકારીએ જણાવ્યું છે કે ઈરાન પરના હુમલામાં જોડાવા અંગે અમેરિકાનું વલણ આગામી 24-48 કલાકમાં સ્પષ્ટ થઈ જશે. તેમણે કહ્યું, "આશા છે કે અમેરિકા આ યુદ્ધમાં જોડાશે, પરંતુ કોઈ તેમના પર દબાણ કરી રહ્યું નથી. તેમણે પોતાનો નિર્ણય જાતે લેવો પડશે."
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયેલના સંરક્ષણ પ્રધાને ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીને "હિટલર" ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમને જીવવાનો કોઈ અધિકાર નથી, કારણ કે તેઓ હંમેશા પોતાના એજન્ટો દ્વારા ઈઝરાયેલનો નાશ કરવા માંગતા રહ્યા છે. જોકે, ઈઝરાયલી અધિકારીએ સ્પષ્ટતા કરી કે કાત્ઝ (સંરક્ષણ પ્રધાન) હંમેશા નેતન્યાહૂના નિર્દેશો મુજબ નિવેદનો આપે છે અને આ બધું પોતાની જાતે નથી કહી રહ્યા.
ટ્રમ્પના નિવેદન બાદ રશિયા-ચીનની પ્રતિક્રિયા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કોઈપણ શરત વિના શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું અને સંકેત આપ્યો હતો કે અમેરિકા ઈરાન પર હુમલો કરી શકે છે. ટ્રમ્પના આ નિવેદન બાદ, રશિયા અને ચીને ઈરાન પરના હુમલા માટે ઈઝરાયેલની સખત નિંદા કરી છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સ્પષ્ટપણે કહ્યું છે કે મધ્ય પૂર્વમાં સંઘર્ષનો ઉકેલ લાવવા માટે, પહેલા યુદ્ધવિરામ થવો જોઈએ તે સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બળનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય વિવાદોનો ઉકેલ લાવી શકાતો નથી.
રશિયાની અમેરિકાને ચેતવણી
રશિયાએ આ યુદ્ધમાં અમેરિકાના સંભવિત પ્રવેશ સામે ગંભીર ચેતવણી આપી છે. રશિયાએ કહ્યું છે કે જો અમેરિકા આ યુદ્ધમાં કૂદી પડે છે, તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. રશિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) એ બુધવારે (18 જૂન, 2025) ઈઝરાયેલ-ઈરાન યુદ્ધનો તાત્કાલિક અંત લાવવા અને તેહરાનના પરમાણુ મુદ્દાને ઉકેલવા માટે રાજકીય અને રાજદ્વારી પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા હાકલ કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને તેમના UAE સમકક્ષ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ફોન પર વાતચીત દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરી હતી, જે આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી ચિંતાને દર્શાવે છે.





















