ઇઝરાયેલની એરસ્ટ્રાઇકે છીનવી લીધી ઈરાનની સૌથી મોટી 'તાકાત'! ઇચ્છીને પણ નહીં કરી શકે જવાબી હુમલો
Israel Iran War: ઇઝરાયેલે ઈરાનના એ સ્થળને ટાર્ગેટ કર્યું જ્યાં તે લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલો માટે ઘન ઈંધણનું ઉત્પાદન કરવા માટે ઉપયોગ કરતું હતું. આ ઈરાનના હથિયારોનો જખીરો હતો.
Israel Iran War: ઇઝરાયેલે ઈરાન પર શનિવારે વહેલી સવારે (26 ઓક્ટોબર 2024) હુમલો કરી સમગ્ર વિશ્વને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે તેનો બદલો પૂર્ણ થયો છે. જો ઈરાન કોઈપણ પ્રકારની જવાબી કાર્યવાહી કરે તો મધ્ય પૂર્વમાં એક વધુ યુદ્ધનું સંકટ છવાઈ જશે. આ દરમિયાન બે અમેરિકન રિસર્ચરે સ્પષ્ટ કર્યું કે સેટેલાઇટથી લેવાયેલા ફોટા પરથી એ સ્પષ્ટ થાય છે કે ઇઝરાયેલે એર સ્ટ્રાઇક કરીને એ ઇમારતોને નિશાન બનાવી, જેનો ઉપયોગ ઈરાન બેલિસ્ટિક મિસાઇલો માટે ઘન ઈંધણ (Solid Fuel) મિશ્રણ માટે કરતું હતું.
બેલિસ્ટિક મિસાઇલ યુનિટને ઇઝરાયેલે કર્યું નષ્ટ
ઇન્ટરનેશનલ સિક્યોરિટી રિસર્ચ ગ્રૂપના પ્રમુખ અને યુએનના પૂર્વ હથિયાર નિરીક્ષક ડેવિડ અલ્બ્રાઇટ અને વોશિંગ્ટન થિંક ટેંક સીએનએના વિશ્લેષક ડેકર એવેલેથે સેટેલાઇટના ફોટાઓની સમીક્ષા કરી. રોયટર્સના રિપોર્ટ મુજબ તેમણે જણાવ્યું કે ઇઝરાયેલે તેહરાન નજીક એક મોટા સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો. એવેલેથે કહ્યું કે ઇઝરાયેલના હુમલાઓએ ઈરાની બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામની એક મહત્વપૂર્ણ યુનિટને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી, જેનાથી ઈરાનને મોટા પાયે મિસાઇલ તૈયાર કરવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડશે.
રિપોર્ટ મુજબ જુલાઈ 2024માં પૂર્વ તેહરાનના ખોજિરમાં સૈન્ય બેઝનો મોટા પાયે વિસ્તાર થયો હતો. રિપોર્ટ અનુસાર ડેવિડ અલ્બ્રાઇટે કહ્યું કે જે ઇમારતોને ઇઝરાયેલે નષ્ટ કરી છે, ત્યાં પરમાણુ હથિયારો અંગે કામ થતું હતું, જેની પુષ્ટિ સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ નિગરાની સંસ્થા, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી, અને અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ ઘણા વર્ષો પહેલા કરી હતી. જોકે, ઈરાન આ પ્રકારના આરોપોનો ઇનકાર કરતું રહ્યું છે. ઈરાને આ સ્થળને 2003માં બંધ કરી દીધું હતું.
ઈરાનમાં 20 સૈન્ય ઠેકાણાં પર હુમલો
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)એ એક નિવેદનમાં કહ્યું કે તેણે ઈરાનના અનેક વિસ્તારોમાં ચોક્કસ હવાઈ હુમલા કર્યા, જેમાં મિસાઇલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, જમીનથી હવામાં મારક મિસાઇલ સિસ્ટમ અને અન્ય સૈન્ય ઠેકાણાંને નષ્ટ કરવામાં આવ્યા. ઇઝરાયેલના સરકારી ચેનલ કાન ટીવી ન્યૂઝે કહ્યું કે એફ 35, એફ 16 અને એફ 15 સહિત ડઝનો ફાઇટર જેટે ઈરાનમાં 20 સૈન્ય ઠેકાણાં પર હુમલો કર્યો.
ઈરાનની અર્ધ સરકારી તસનીમ ન્યૂઝ એજન્સીએ જાહેર કર્યું કે ઈરાનના હવાઈ સુરક્ષા મુખ્યાલયે હુમલાનો જવાબ આપતા સીમિત નુકસાનની સ્થિતિમાં ઇઝરાયેલના હુમલાને નિષ્ફળ કર્યો. તેમાં કહેવાયું છે કે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાને રોક્યો અને કેટલાક વિસ્તારોમાં સીમિત નુકસાન થયું. રિપોર્ટમાં એ પણ કહેવાયું કે ઇઝરાયેલી સેનાએ તેહરાન, ખુઝેસ્તાન અને ઇલામ પ્રાંતોમાં સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યા, જ્યારે ઈરાને પહેલેથી જ ઇઝરાયેલને ચેતવણી આપી હતી કે તે તેના પર હુમલો ન કરે.
આ પણ વાંચોઃ
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી