ઈઝરાઈલના પીએમ નફતાલી બેનેટના ભારત પ્રવાસ પર સંકટ, જાણો શું છે કારણ
Naftali Bennett : ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમના મીડિયા સલાહકારે આ વાતની પુષ્ટિ કરી છે.
વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. દરમિયાન, સોમવારે ઇઝરાયેલના વડા પ્રધાન નફતાલી બેનેટ કોરોનાવાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. તેમના મીડિયા સલાહકારે આ માહિતી આપી હતી.
પીએમ નફતાલી બેનેટ 3 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે આવવાના હતા. આ કારણે તેમની ટ્રીપ કેન્સલ થશે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. બેનેટની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "વડાપ્રધાન સ્વસ્થ છે અને ઘરેથી કામ કરવાનું ચાલુ રાખશે."
ઈઝરાઈલના પીએમઓનું એક નિવેદન સામે આવ્યું, જેમાં કહેવામાં આવ્યું છે, "પીએમ બેનેટ, સંરક્ષણ પ્રધાન બેની ગેન્ટ્ઝ, આંતરિક સુરક્ષા પ્રધાન ઓમર બાર્લેવ, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ ચીફ ઓફ સ્ટાફ અવીવ કોહાવી, શિન બેટ ચીફ રોનેન બાર, પોલીસ વડા કોબી શબતાઇ અને અન્ય અધિકારીઓ સાથે આજે સવારે આતંકવાદી હુમલા સંબંધિત ઘટનાઓની સમીક્ષા કરશે.”ઈઝરાઈલમાં હડેરામાં રવિવારે થયેલા આતંકવાદી હુમલામાં બે ઈઝરાયેલ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને કેટલાક અન્ય ઘાયલ થયા હતા. બેનેટે હાડેરામાં એક મીટિંગમાં હાજરી આપી હતી, પરંતુ સત્તાવાર રીતે જાહેર કરાયેલ ફોટામાં માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.
પીએમ મોદીએ આપ્યું હતું આમંત્રણ
પીએમ મોદી અને બેનેટ ગયા વર્ષે ઓક્ટોબરમાં ગ્લાસગોમાં યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP26) દરમિયાન મળ્યા હતા. જ્યાં પીએમ મોદીએ વડાપ્રધાન બેનેટને દેશની સત્તાવાર મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. હવે વડાપ્રધાન નફતાલી બેનેટ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર આવતા અઠવાડિયે ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત લેશે.
આ મુલાકાત બંને દેશો અને નેતાઓ વચ્ચેના મહત્વપૂર્ણ સંબંધોને પુષ્ટ કરશે અને ઈઝરાયેલ અને ભારત વચ્ચેના સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠની ઉજવણી કરશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક જોડાણને આગળ વધારવા અને દ્વિપક્ષીય સંબંધોને વિસ્તૃત કરવાનો છે. આ સિવાય બંને નેતાઓ નવીનતા, અર્થતંત્ર, સંશોધન અને વિકાસ, કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવા પર ચર્ચા કરશે.