Indo-Pak : PM મોદીને લઈ પાકિસ્તાની મંત્રી હિના રબ્બાની કહી આ વાત તો શ્રી શ્રી રવિશંકરે બરાબરના ઝાટક્યા
મંત્રી હિના રબ્બાની ખારે કહ્યું હતું કે, તેમનો દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંને દેશો વચ્ચે શાંતિ માટે કામ કરવા માટે 'સગયોગી' તરીકે જોતો નથી.
Hina Rabbani Khar : ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે ભારત સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ આગામી 24 કલાકમાં જ પાકિસ્તાનના પીએમઓએ શેહબાઝ શરીફના નિવેદનને અવગણીને કાશ્મીરની ધૂન વગાડવાનું શરૂ કર્યું. હવે પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે પણ શેહબાઝ શરીફના નિવેદનથી પોતાની જાતને દૂર કરી લીધી છે. સાથે જ હિના રબ્બાની ખારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પણ નિવેદન આપ્યું હતું. જેનો ભારતના ધર્મગુરૂ શ્રી શ્રી રવિશંકરે સણસણતો જવાબ આપ્યો હતો.
મંત્રી હિના રબ્બાની ખારે કહ્યું હતું કે, તેમનો દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંને દેશો વચ્ચે શાંતિ માટે કામ કરવા માટે 'સગયોગી' તરીકે જોતો નથી. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયીને પાકિસ્તાન એક મિત્રની નજરે જોતુ હતું.
હિના રબ્બાની ખારના આ નિવેદન પર આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરે પાક મંત્રી હિના રબ્બાનીના આરોપો પર આકરો જવાબ આપ્યો અને કહ્યું હતું કે, પાકિસ્તાને એ સમજવાની જરૂર છે કે, સમસ્યા તેના તરફથી જ છે. કારણ કે ભારતને અન્ય કોઈ પાડોશી દેશ સાથે કોઈ જ સમસ્યા નથી.
પાકિસ્તાનના મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસો પહેલા એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનના પીએમએ કહ્યું હતું કે, ભારત સાથે ત્રણ યુદ્ધ થઈ ચૂક્યા છે અને તેનાથી અમારા ભાગે માત્ર ગરીબી અને બેરોજગારી જ આવી છે. માટે હવે અમે પીએમ મોદીને કહેવા માંગીએ છીએ કે, અમે સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગીએ છીએ.
હિના રબ્બાની ખારે એક અલગ જ ધૂન વગાડી
સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક 2023માં દક્ષિણ એશિયા પરના સત્રમાં બોલતા ખારે કહ્યું હતું કે, જ્યારે હું વિદેશ મંત્રી તરીકે ભારત ગઈ હતી ત્યારે અમે વધુ સારા સહકાર માટે આકરી મહેનત કરી હતી. વર્તમાન પરિસ્થિતિની તુલનામાં તે સમયે અમે ઘણી સારી સ્થિતિમાં હતા.
તેમણે કહ્યું હતું કે, આટલા વર્ષોમાં અમે જે પણ કર્યું છે તેનાથી દુશ્મની વધી છે. આપણે જાણવું જોઈએ કે આપણે ભૌગોલિક સ્થાન બદલી શકતા નથી. આપણે એ પણ સમજવું પડશે કે આ દક્ષિણ એશિયાની સમસ્યા નથી, પરંતુ ભારત-પાકિસ્તાનની સમસ્યા છે. ભારત પર આરોપ લગાવતા હિના રબ્બાની ખારે કહ્યું હતું કે, કુટનૈતિક કૌશલ્યની સમસ્યા ભારત તરફથી છે.
ભારત સાથે વાતચીત અંગે આ વાત કહી
પાકિસ્તાનના મંત્રી હિના રબ્બાની ખારે ભારત સાથેની વાતચીતને લઈને કહ્યું હતું કે, હું ખરેખર માનું છું કે જો બંને દેશો પાસે એક જ સમયે રાજદ્વારી કુશળતા ધરાવતા નેતાઓ હોય અને જેમને માત્ર ચૂંટણીમાં જ રસ ન હોય, તો એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉકેલ ના લાવી શકાય. તેમણે કહ્યું હતું કે, આપણે ચૂંટણી પ્રક્રિયાઓથી આગળ વિચારવાની અને શાંતિની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના દેશ માટે સારા નેતા હોઈ શકે છે. પરંતુ મને નરેન્દ્ર મોદીમાં પાકિસ્તાનનો સહયોગી દેખાતો નથી. મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયીને મેં પાકિસ્તાનના સહયોગી તરીકે જોયા હતાં.
હિના રબ્બાની ખારે કહ્યું હતું કે, પાકિસ્તાને તેના ભૂતકાળમાંથી પાઠ શીખ્યો છે. હવે તે આગળ વધવા માંગે છે પરંતુ મને લાગે છે કે ભારત હંમેશા એવો દેશ હતો જ્યાં તમામ ધર્મના લોકો શાંતિથી રહેતા હતા. પણ હવે એવું નથી. ખારે એમ પણ કહ્યું હતું કે, હું એમ નથી કહેતી કે પાકિસ્તાનમાં કોઈ સમસ્યા નથી. પરંતુ અમારી સરકાર હંમેશા એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે કે નવા કાયદા અને વર્તમાન કાયદાઓ લાગુ કરીને લઘુમતીઓને સુરક્ષિત કરવામાં આવે.
શ્રી શ્રી રવિશંકરે કર્યો વળતો પ્રહાર
આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર જેઓ આ જ પેનલનો એક ભાગ હતા તેમણે પાક મંત્રી હિના રબ્બાનીના આરોપોનો આકરો જવાબ આપ્યો હતો. પાકિસ્તાનને દર્પણ દેખાડતા રવિશંકરે કહ્યું હતું કે, પાકિસ્તાને ખબર હોવી જોઈએ કે સમસ્યા તેમની તરફથી છે. કારણ કે ભારતને અન્ય કોઈ પાડોશી દેશ સાથે કોઈ સમસ્યા નથી.
શ્રી રવિશંકરે વધુમાં કહ્યું હતું કે, બંને દેશોમાં એક જ ભાષા બોલાય છે. બંનેની સંસ્કૃતિ, ખાનપાન વગેરે સમાન છે. વડાપ્રધાન મોદીએ પણ અનેકવાર હાથ લંબાવીને મદદ કરવાની ઓફર કરી છે. હિના રબ્બાની ખારના આરોપોનો કોઈ અર્થ જ નથી. રવિશંકરે ભારતમાં બિનસાંપ્રદાયિકતા પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને પણ આકરી ટીકા કરી તેને નકારી કાઢ્યા હતા.