Sunita Williams: રોકેટ લોન્ચ થાય તે અગાઉ હાઇડ્રોલિક સિસ્ટમ નિષ્ફળ, સુનીતા વિલિયમ્સની વાપસીમાં વિલંબ
Sunita Williams: લોન્ચ થવામાં માત્ર એક કલાક બાકી હતો પરંતુ રોકેટની હાઇડ્રોલિક સિસ્ટમ અને ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મમાં ટેકનિકલ ખામી જોવા મળી

Sunita Williams: અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની પૃથ્વી પર વાપસી ફરી એકવાર મુલતવી રાખવામાં આવી છે. આ બંન્નેને પરત લાવવા માટે જે રોકેટ લોન્ચ થવાનું હતું તેમાં ટેકનિકલ ખામી આવવાના કારણે મિશનમાં વિલંબ થયો હતો. બુધવારે (12 માર્ચ) એલોન મસ્કની કંપની 'સ્પેસએક્સ' રોકેટ ફાલ્કન-9 ચાર અવકાશ વૈજ્ઞાનિકોને લઈને લોન્ચ થવાનું હતું. આ ચાર વૈજ્ઞાનિકો આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં પહેલાથી જ હાજર સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું સ્થાન લેશે. લોન્ચ થવામાં માત્ર એક કલાક બાકી હતો પરંતુ રોકેટની હાઇડ્રોલિક સિસ્ટમ અને ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું. નાસા અને સ્પેસએક્સે બાદમાં માહિતી આપી હતી કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકનું ક્રૂ-10 મિશન રદ કરવામાં આવ્યું છે.
#BREAKING Launch postponed for mission that would allow return of astronauts stuck on ISS: NASA pic.twitter.com/iN99d0Q8Re
— AFP News Agency (@AFP) March 12, 2025
લોન્ચ વિન્ડોમાં હજુ બે દિવસ બાકી છે
ફાલ્કન-9 રોકેટ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ કોમ્પ્લેક્સ 39-A થી લોન્ચ થવાનું હતું. જોકે, લોન્ચ વિન્ડો આજે એટલે કે ગુરુવાર (13 માર્ચ) અને શુક્રવાર (14 માર્ચ) ના રોજ પણ ઉપલબ્ધ છે. જો સ્પેસએક્સ આ ટેકનિકલ ખામીઓને વહેલી તકે સુધારે તો ફાલ્કન 9 રોકેટ આ અઠવાડિયે જ લોન્ચ થઈ શકે છે. જો બધું બરાબર રહ્યું તો સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 19 માર્ચ સુધીમાં પૃથ્વી પર પાછા ફરશે.
8 દિવસ માટે ગયા હતા, 281 દિવસ થઈ ગયા
અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 5 જૂન, 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચ્યા. તેમની યાત્રા ફક્ત 8 દિવસની હતી પરંતુ તેમના વિમાન બોઇંગ સ્ટારલાઇનરમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ અને પછી તેઓ પાછા ફરી શક્યા નહીં. ત્યારથી તે બંનેને પાછા લાવવાની રાહ ધીમે ધીમે વધી રહી છે. અત્યાર સુધીમાં આ બંને વૈજ્ઞાનિકો અવકાશમાં 281 દિવસ વિતાવી ચૂક્યા છે.





















