Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Syria Civil War: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અસદ અને તેના પરિવારને રાજકીય આશ્રય આપ્યો છે
Syria Civil War: સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અસદ અને તેના પરિવારને રાજકીય આશ્રય આપ્યો છે. અગાઉ એવી અટકળો હતી કે અસદના પ્લેનના રડાર સાથે સંપર્ક તૂટી ગયો હતો અને પ્લેન ક્રેશ થવાની સંભાવના હતી, પરંતુ હવે એ વાતની પુષ્ટી થઈ છે કે બશર અલ-અસદ રશિયા પહોંચી ગયા છે. બીજી બાજુ, સેનાએ પુષ્ટી કરી કે અસદ દેશ છોડીને ભાગી ગયા છે અને કહ્યું છે કે રાષ્ટ્રપતિની સત્તા સમાપ્ત થઈ ગઈ છે.
#BREAKING Bashar al-Assad and family are in Moscow: Russian news agencies pic.twitter.com/EGggGA6PtC
— AFP News Agency (@AFP) December 8, 2024
સીરિયામાં છેલ્લા 11 દિવસથી વિદ્રોહી જૂથો અને સેના વચ્ચે નિયંત્રણ માટે લડાઈ ચાલી રહી હતી અને વિદ્રોહીઓએ રવિવારે રાજધાની દમસ્કસ પર કબજો જમાવી લીધો હતો અને શેરીઓમાં ગોળીબાર કરીને વિજયની ઉજવણી કરી રહ્યા હતા.
ફ્લાઈટ ટ્રેકર પરથી માહિતી મળી છે કે અસદનું પ્લેન સીરિયાના લતાકિયાથી ટેકઓફ કર્યા બાદ મોસ્કો પહોંચી ગયું છે. ફ્લાઈટરડાર વેબસાઈટના ડેટા અનુસાર, રવિવારે (8 ડિસેમ્બર) રશિયન લશ્કરી વિમાને લતાકિયાથી ઉડાન ભરી અને મોસ્કો પહોંચ્યું હતું.
રશિયાએ રવિવારે કહ્યું હતું કે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સત્તાના શાંતિપૂર્ણ સ્થાનાંતરણનો આદેશ આપ્યા બાદ રાજીનામું આપીને દેશ છોડીને ભાગી ગયા છે. રશિયા સીરિયાના લતાકિયા પ્રાંતમાં હમીમિમ એર બેઝનું સંચાલન કરે છે, જેનો ઉપયોગ તેણે ભૂતકાળમાં બળવાખોરો સામે હવાઈ હુમલા કરવા માટે કર્યો છે. બીજી તરફ સીરિયન સેનાએ પુષ્ટી કરી કે અસદે દેશ છોડી દીધો છે અને કહ્યું કે રાષ્ટ્રપતિની સત્તા સમાપ્ત થઈ ગઈ છે.
સીરિયાના રસ્તાઓ પર ભારે ગોળીબાર થઈ રહ્યો છે, સીરિયામાં બળવાખોરો કાબૂ બહાર થઇ ગયા છે. આ એ જ સીરિયા છે, જ્યાં ખતરનાક આતંકવાદી સંગઠન ISISએ પોતાના મૂળ જમાવ્યા હતા, હવે ફરી એકવાર એ જ ખતરો તોળાઈ રહ્યો છે. ગુરુવારે સીરિયન બળવાખોરોએ હમા શહેર પર કબજો કરી લીધો હતો, માત્ર એક અઠવાડિયાની અંદર વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિ અસદના દળોને સીરિયાના બે મોટા શહેરોમાંથી ભગાડી દીધા છે. બળવાખોરોએ પહેલા અલેપ્પોમાં અને પછી ચોથા સૌથી મોટા શહેર હમામાં તેમની જીતની ઉજવણી કરી હતી.
બળવાખોરોની ઐતિહાસિક જીત
સીરિયામાં બળવો 2011માં શરૂ થયો જ્યારે અસદ સરકારે લોકશાહી તરફી વિરોધને નિર્દયતાથી કચડી નાખ્યો હતો. આ યુદ્ધ ધીમે ધીમે ગૃહયુદ્ધમાં ફેરવાઈ ગયું, જેમાં અસદ સરકાર સામે ઘણા બળવાખોર જૂથો ઉભા થયા હતા. આખરે આ 13 વર્ષના સંઘર્ષે અસદ શાસનને ઉખાડી ફેંક્યું હતું.
સીરિયા માટે યુએનના વિશેષ દૂત ગેયર પેડરસેને કહ્યું હતું કે, "હવે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે સીરિયામાં એક વ્યાપક રાજકીય પ્રક્રિયા શરૂ થાય." તેમણે એમ પણ કહ્યું કે સીરિયાએ તેની સાર્વભૌમત્વ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવી જોઈએ.