Pakistan: ખાવાના ખનખનિયા નહીં ને વિચિત્ર વાજીંતર! પાકિસ્તાનમાં વિકીપીડિયા પર પ્રતિબંધ
પાડોશી દેશ પાકિસ્તાને વિકિપીડિયા પર ઈશનિંદા સંબંધિત સામગ્રી ના હટાવવાનો આરોપ લગાવ્યો છે.
Wikipedia Block in Pakistan: પાકિસ્તાન હાલ કંગાળ સ્થિતિમાં છે. આવનાર ગણતરીના જ સમયમાં પાકિસ્તાન દિવાળિયું થઈ શકે છે. પરંતુ આ દિશામાં નક્કર પગલા ભરવાના બદલે પાકિસ્તાનમાં કંઈક જુદુ જ વાજીંતર વાગી રહ્યું છે. પાકિસ્તાને હવે વિકિપીડિયાને જ બ્લોક કરી દીધું છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, આ કાર્યવાહી વિકિપીડિયા વેબસાઇટ પર ઈશનિંદાના સંબંધને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
પાડોશી દેશ પાકિસ્તાને વિકિપીડિયા પર ઈશનિંદા સંબંધિત સામગ્રી ના હટાવવાનો આરોપ લગાવ્યો છે. ધ ન્યૂઝ અખબાર અનુસાર, પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીએ વિકિપીડિયાને અયોગ્ય સામગ્રી દૂર કરવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. જેનું પાલન ના કરવા પર આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
પીટીએએ એક નિવેદનમાં કહ્યું હતું કે, વિકિપીડિયાએ ન તો નિંદાત્મક સામગ્રી દૂર કરી અને ન તો આ અંગે અધિકારીઓ સાથે વાત કરી. ત્યાર બાદ શાહબાઝ સરકારે વેબસાઈટ સામે કડક કાર્યવાહી કરતા આ પગલું લીધું છે. શાહબાઝ સરકારે પોતાના આદેશમાં કહ્યું હતું કે, કથિત ગેરકાયદે સામગ્રીને હટાવ્યા બાદ વિકિપીડિયાના પુનઃસ્થાપન પર પુનર્વિચાર કરવામાં આવશે. આ કાર્યવાહી અંગે વિકિપીડિયા પર 'સેન્સરશિપ ઓફ વિકિપીડિયા' પર એક લેખ લખવામાં આવ્યો છે.
સરકારના પગલાની થઈ રહી છે ઘોર નિંદા
લેખમાં કહેવામાં આવ્યું છે કે, વિકિપીડિયા પર સમાન પ્રતિબંધો ચીન, ઈરાન, મ્યાનમાર, રશિયા, સાઉદી અરેબિયા, સીરિયા, ટ્યુનિશિયા, તુર્કી, ઉઝબેકિસ્તાન અને વેનેઝુએલા સહિતના દેશોમાં છે. જ્યારે ડિજિટલ અધિકાર કાર્યકર્તા ઉસામા ખિલજીએ પીટીએના આ પગલાને ગેરબંધારણીય ગણાવ્યું. "પ્રતિબંધ અસંગત, ગેરબંધારણીય અને તદ્દન હાસ્યાસ્પદ છે," તેમણે કહ્યું હતું કે, આનાથી વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, હેલ્થકેર સેક્ટર, સંશોધકોને અસર થશે અને સેન્સરશિપની અનિશ્ચિતતા અને મનસ્વીતાને કારણે પાકિસ્તાનમાં રોકાણકારોનો વિશ્વાસ ઘટશે.
પાકિસ્તાન પર ઈશનિંદા માટે આકરી સજા
અંગ્રેજોએ 1860માં ઈશનિંદાનો કાયદો બનાવ્યો હતો. તેનો હેતુ ધાર્મિક ઝઘડાઓને રોકવાનો હતો. તાજેતરમાં સરકારે તેને વધુ કડક બનાવ્યો છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ ગયા મહિને ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) એક્ટ 2023 પસાર કર્યો હતો. આ અંતર્ગત ઈસ્લામના ધાર્મિક પ્રતીકોનું અપમાન કરનારાઓને આપવામાં આવતી લઘુત્તમ સજા ત્રણ વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવી છે અને 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ઈશનિંદાના આરોપમાં લાખો લોકો જેલમાં બંધ છે.