પાકિસ્તાન PM ઈમરાન ખાનને અમેરિકાના અધિકારીએ ધમકી આપી હતી, જાણો ઈમરાને શું ખુલાસો કર્યો
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને હવે પોતાને ધમકી મળી હોવાનો ખુલાસો કર્યો છે. ગઈકાલે અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા રાજકીય ઘટનાક્રમ બાદ હવે આ અહેવાલ સામે આવ્યો છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને હવે પોતાને ધમકી મળી હોવાનો ખુલાસો કર્યો છે. ગઈકાલે અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા રાજકીય ઘટનાક્રમ બાદ હવે આ અહેવાલ સામે આવ્યો છે. ગઈકાલે પોતાના સંબોધનમાં ઈમરાન ખાને કહ્યું હતું કે, વિદેશી ષડયંત્રથી અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે દેશમાં દખલ કરવામાં આવી છે અને રાષ્ટ્રીય સુરક્ષા પરીષદે તેની નિંદા કરી છે.
પાકિસ્તાન સમાચાર પત્ર ડોનના અહેવાલ મુજબ પ્રધાનમંત્રી ઈમરાન ખાને તેમને જણાવ્યું છે કે, અમેરિકાના વિદેશ મંત્રાલયના દક્ષિણ અને મધ્ય એશિયાના સહાયક વિદેશ મંત્રી ડોનાલ્ડ લુનાએ તેમને ધમકીઓ આપી છે. રાજદૂત અસાદ મજીદ સાથેની મીટિંગમાં અમેરિકાના સહાયક વિદેશ મંત્રી ડોનાલ્ડ લુનાએ ધમકી આપતાં કહ્યું હતું કે, જો ઈમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવમાં થનાર મતદાનમાં જીતી જશે તો ખરાબ પરિણામ ભોગવવાં પડશે.
ઈમરાન ખાને વધુમાં જણાવ્યું હતું કે, અમારી પાર્ટી (તહરીક-એ-ઈન્સાફ પાર્ટી)ના નારાજ નેતાઓ અમેરિકાના દૂતાવાસમાં વારંવાર મુલાકાત પણ લેતા હતા. શું કારણો હતા કે જેનાથી તેઓ અમને છોડીને ગયા? આમ ઈમરાન ખાને અમેરિકા પર નિશાન સાધ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ ઈમરાન ખાને પોતાના સંબોધનમાં અવિશ્વાસ પ્રસ્તાવના સમગ્ર ઘટનાક્રમમાં વિદેશી તાકાતનો હાથ હોવાનું કહ્યું હતું.
ગયા અઠવાડિયે રાષ્ટ્રને સંબોધનમાં, ઇમરાન ખાને તેમની સરકાર સામે રજૂ થયેલા અવિશ્વાસ પ્રસ્તાવ અંગે વિપક્ષના વધતા વિશ્વાસ વચ્ચે "વિદેશી ષડયંત્ર"નો આરોપ મૂક્યો હતો. ઈમરાન ખાને આ સંદર્ભમાં "યુનાઈટેડ સ્ટેટ્સ" નો ઉલ્લેખ કર્યો અને પછી તરત જ પોતાની વાત બદલીને અમેરિકાના બદલે "વિદેશી દેશ" કહ્યું હતું.
જો કે, અમેરિકાએ ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવાના કથિત "વિદેશી કાવતરા"માં વોશિંગ્ટનની ભૂમિકા અંગેના આરોપોને ફગાવી દીધા છે.
ઈમરાનના નિર્ણય અદાલતને આધિનઃ
પાકિસ્તાનમાં રાજકીય સંકટ હવે સુપ્રિમ કોર્ટ પહોંચી ગયું છે. આ વચ્ચે પાકિસ્તાન સુપ્રિમ કોર્ટે ચીફ જસ્ટીસ ઉમર અતા બંદિયાલે દેશની સરકારી સંસ્થાઓને ચેતવણી આપતાં ગૈર બંધારણીય પગલાં ના લેવા માટે આદેશ આપ્યો છે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસે કહ્યું કે, સંસદના વિઘટનના સંબંધમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ દ્વારા શરુ કરાયેલા આદેશ અને કાર્યો હવે કોર્ટના આદેશને આધિન રહેશે. આ સાથે જ સુપ્રિમ કોર્ટે અવિશ્વાસ પ્રસ્તાવના સંબંધમાં સંસદના ડે. સ્પિકર કાસિમ સૂરીએ લીધેલા નિર્ણયને રદ્દ કરવાની અરજીને ફગાવી દીધી છે. જો કે, પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશે પીપીપીના અનુરોધને સ્વીકાર કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, કોર્ટ ડેપ્યુટી સ્પિકરના કામોની સમીક્ષા કરશે.
સુપ્રિમ કોર્ટનો આદેશઃ
સુપ્રિમ કોર્ટમાં કાર્યવાહી દરમિયાન ચીફ જસ્ટીસે કહ્યું કે, નેશનલ અસેંબલી (સંસદ)ના વિઘટનના સંબંધનમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ દ્વારા શરુ કરવામાં આવેલા બધા આદેશ અને કામો કોર્ટના આદેશને આધિન રહેશે. કોર્ટે બધી રાજકીય પાર્ટીઓને જવાબદારી પૂર્વક કામ કરવાનો આદેશ પણ આપ્યો છે અને કહ્યું છે કે, દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવી ના જોઈએ.