Pakistan : વિપક્ષે PML-Nના પ્રમુખ શાહબાઝ શરીફને વડાપ્રધાન પદ માટે નોમિનેટ કર્યા
Pakistan Political Crisis:સંયુક્ત વિપક્ષે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના પ્રમુખ શાહબાઝ શરીફને ખાનના સ્થાને તેના સંયુક્ત ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે.
Pakistan : પાકિસ્તાનના વડાપ્રધાન પદેથી ઇમરાન ખાનની હકાલપટ્ટી બાદ વિરોધપક્ષોએ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફને વડાપ્રધાન પદ માટે તેમના સંયુક્ત ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા છે.
ARY ન્યૂઝના એક અહેવાલ મુજબ, પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શહબાઝ શરીફને દેશના વિપક્ષી દળોએ પસંદ કર્યા છે.
પાકિસ્તનમાં સોમવારે નવા વડાપ્રધાન હશે. રવિવારે વહેલી સવારે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ મત દ્વારા ઈમરાન ખાનને પદ પરથી હટાવવામાં આવ્યા બાદ નેશનલ એસેમ્બલી સ્થગિત કરવામાં આવી હતી. નવા વડાપ્રધાનની પસંદગી કરવા માટે સંસદના નીચલા ગૃહ, નેશનલ એસેમ્બલીની મેરેથોન કાર્યવાહી રવિવારે વહેલી મોકૂફ રાખવામાં આવી હતી, જે સોમવારે બપોરે 2 વાગ્યે ફરીથી શરૂ થશે.
શાહબાઝ શરીફ, જેઓ ઈમરાન ખાનની હકાલપટ્ટી પછી પાકિસ્તાનના આગામી વડા પ્રધાન બનવાની તૈયારીમાં છે, તે ત્રણ વખતના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના 70 વર્ષીય નાના ભાઈ છે, જેમણે દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા અને રાજકીય રીતે મહત્વપૂર્ણ પંજાબ પ્રાંતના મુખ્યપ્રધાન ત્રણ વાર સેવા આપી હતી. અને આ પહેલીવાર છે જ્યારે તેમની પાર્ટી, PML-N - ખાસ કરીને તેના સુપ્રીમો નવાઝ શરીફ - વડાપ્રધાન પદ માટે તેમના નામ પર સંમત થયા છે.
પૂર્વ રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સહ-અધ્યક્ષ આસિફ અલી ઝરદારીએ અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનને બદલવા માટે સંયુક્ત વિપક્ષની બેઠકમાં વડાપ્રધાન પદ માટે શાહબાઝના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
બિલાવલ ભુટ્ટો બનશે વિદેશમંત્રી?
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના વડા બિલાવલ ભુટ્ટોને નવી સરકારમાં આગામી વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે શનિવારે મોડી રાત્રે સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનને વડાપ્રધાન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.
જિયો ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના હોદ્દા મહત્વપૂર્ણ છે, જ્યારે નવી સરકારમાં વિદેશ પ્રધાન કોણ હશે તે પ્રશ્ન પણ મહત્વપૂર્ણ છે કારણ કે સંયુક્ત વિપક્ષ વારંવાર ઈમરાન ખાન સરકારને 'ખોટી વિદેશ નીતિઓ માટે નિશાન બનાવી રહ્યું છે. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે અફવાઓ અનુસાર, પીપીપીના વડા બિલાવલ ભુટ્ટો-ઝરદારીને આગામી વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.