શોધખોળ કરો
પાકિસ્તાનમાં શીખ ધર્મગુરુની ગોળી મારીને કરવામાં આવી હત્યા, જાણો વિગત

પેશાવરઃ પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે થઈ રહેલા અત્યાચારનો વધુ એક મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનના પેશાવરમાં મંગળવારે શિખ ધર્મગુરુ ચરણજીત સિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. 52 વર્ષીય ચરણજીત સિંહ માનવાધિકાર કાર્યકર્તા પણ હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, શિખ ધર્મગુરુ પશ્ચિમ પેશાવર રહેતા હતા અને સ્કીમ ચોક વિસ્તારમાં એક દુકાન ચલાવતા હતા. હુમલાખોરોએ દુકાનમાં ઘૂસીને ચરણજીત સિંહને એકદમ નજીકથી ગોળી મારીને ફરાર થઈ ગયા હતા. ગોળી વાગવાના કારણે ઘટનાસ્થળ પર જ તેમનું મોત થઈ ગયું. પેશાવરના એસપી સદ્દાર શૌક્ત ખાને જણાવ્યું કે, હત્યાનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. ચરણજીત સિંહની હત્યા લઘુમતી સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. ચરણજીત સિંહ વર્ષોથી પેશાવરમાં જ રહેતા હતા. અહેવાલો મુજબ પેશાવરમાં તેમણે દુકાન ખોલી હોવાને ઘણો સમય થઈ ચૂક્યો હતો. હત્યા બાદ લઘુમતી સમુદાયમાં ભયનો માહોલ છે. પાકિસ્તાનમાં છેલ્લા થોડા સમયથી સતત શીખોની કત્લેઆમના સમાચાર આવતા રહે છે. પેશાવરમાં આ હાલના સમયે મોટાભાગના શીખ સંઘ શાસિત આદિવાસી વિસ્તારોના વિવિધ હિસ્સામાં વિસ્થાપિત થઈને આવીને વસ્યાં છે.
વધુ વાંચો





















