Bilawal Bhutto : શું પાકિસ્તાનના વિદેશમંત્રીનો ભારત પ્રવાસ થઈ શકે છે રદ્દ?
Pakistan Over Poonch Terrorist Attack: પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી (Bilawal Bhutto Zardari) ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. બિલાવલની આ મુલાકાત આવતા મહિનાની શરૂઆતમાં 4 મેના રોજ યોજાશે.
Pakistan Over Poonch Terrorist Attack: પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી (Bilawal Bhutto Zardari) ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. બિલાવલની આ મુલાકાત આવતા મહિનાની શરૂઆતમાં 4 મેના રોજ યોજાશે. 2014માં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ બાદ સત્તાધારી પાકિસ્તાની નેતાની આ પ્રથમ ભારત મુલાકાત હશે. પરંતુ બિલાવલ ભુટ્ટોની આ ભારત યાત્રા રદ્દ થઈ શકે છે. આ બાબતને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મુદ્દે પાકિસ્તાનની મહિલા પત્રકાર આરઝૂ કાઝમીએ તેમના સહયોગી સાજિદ તરાર સાથે વાતચીતમાં આ બાબતને લઈને આશંકા વ્યક્ત કરી છે. સાજિદ તરાર અમેરિકામાં પાકિસ્તાની અમેરિકન બિઝનેસમેન તરીકે કામ કરે છે. તેમણે ભારતમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. સાજીદ તરારે પણ આતંકવાદી હુમલા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ ભારતના જમ્મુ-કાશ્મીરના પૂંચ સેક્ટરમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. આતંકવાદી હુમલા વિશે વાત કરતા સાજિદ તરરે વીડિયોની શરૂઆતમાં કહ્યું હતું કે, જેણે પણ આ કર્યું છે તેણે ખોટું કર્યું છે. હું હુમલાની સખત નિંદા કરું છું. શહીદ થયેલા તમામ સૈનિકો કોઈને કોઈના ભાઈ અને પતિ હતા. તેમણે કહ્યું હતું કે, આ કૃત્ય કાશ્મીરને અસ્થિર કરવા માટે કરવામાં આવ્યું હતું. આ બિલકુલ ખોટું છે.
ભારત અને પાકિસ્તાન ઈન્ટેલિજન્સ શેરિંગ
સાજિદ તરારે કહ્યું હતું કે, હાલ ભારત અને પાકિસ્તાન મળીને આતંકવાદી હુમલાના મુળ સુધી જઈને ઈન્ટેલિજન્સ શેર કરવા જોઈએ. જો ભારતમાં આવી કોઈ ઘટના બને છે તો તે પાકિસ્તાનની વિરુદ્ધમાં જ જાય છે.
બીજી તરફ જો કોઈ રીતે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હશે તો તે ખૂબ જ ગંભીર બાબત ગણાશે. જો કે, તેમણે એવી આશંકા પણ વ્યક્ત કરી હતી કે, પાકિસ્તાન તેમાં સીધી રીતે સામેલ ન હોઈ શકે, કારણ કે આ સમયે પાકિસ્તાનની પોતાની હાલત ખૂબ જ ખરાબ છે. પાકિસ્તાનનું સંપૂર્ણ ધ્યાન તેના આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર છે.
બિલાવલ ભુટ્ટોના ભારત પ્રવાસ પર પડી શકે છે અસર
પાકિસ્તાની પત્રકારે બિલાવલ ભુટ્ટો ઝરદારીની આગામી ભારત મુલાકાત વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બિલાવલ ભુટ્ટોનો પ્રવાસ રદ્દ કરવાનો મામલો હજુ સામે આવ્યો નથી, પરંતુ એવી પણ શક્યતા છે કે, પ્રવાસ રદ્દ થઈ શકે છે કારણ કે, આવી સ્થિતિ પહેલા પણ ઉભી થઈ ચુકી ચૂકી છે. સાજિદ તરારે કહ્યું હતું કે, આ પ્રકારની બાબતોને લઈને પાકિસ્તાન પહેલાથી જ બદનામ છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ હુમલાને પાકિસ્તાન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તે પણ એવા સમયે જ્યારે દેશના વિદેશ મંત્રી ભારતના પ્રવાસે જઈ રહ્યા હોય. ભારતમાં હુમલા બાદ પાકિસ્તાન પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થશે અને દોષારોપણ થશે.