ભારતના એક્શનથી ઉડી પાકિસ્તાનની ઊંઘ, ISI ચીફ આસિમ મલિકને બનાવ્યા NSA
Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. ભારતે અત્યાર સુધીમાં ઘણા કઠિન નિર્ણયો લીધા છે. આના કારણે પાકિસ્તાનની બેચેની વધી રહી છે. પાકિસ્તાને હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેણે ISIના વડા આસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કર્યા છે. આસીમને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આસીમ મલિકને ISI ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'ના સમાચાર મુજબ, હવે પાકિસ્તાને આસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો વધારાનો હવાલો સોંપ્યો છે. પાકિસ્તાને આસીમ મલિકને એવા સમયે જવાબદારી સોંપી છે જ્યારે ભારત સાથે પરિસ્થિતિ સૌથી વધુ તણાવપૂર્ણ છે. પાકિસ્તાને તાજેતરમાં કહ્યું હતું કે તેણે એવી માહિતીની પુષ્ટી કરી છે કે ભારત 24 થી 36 કલાકમાં તેના પર હુમલો કરી શકે છે.
પાકિસ્તાનમાં 2022થી NSA નું પદ ખાલી હતું
એપ્રિલ 2022થી પાકિસ્તાનમાં કોઈ NSA નથી. પાકિસ્તાનના છેલ્લા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફ હતા. હવે તેમના પછી આસીમને જવાબદારી મળી છે. તેઓ ISI ચીફ હોવાની સાથે આ પદ પણ સંભાળશે.
ભારતે NSA બોર્ડમાં મોટો ફેરફાર કર્યો
પાકિસ્તાન પહેલા પણ ભારતે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સમિતિમાં મોટો ફેરફાર કર્યો હતો. ભારતે RAW ના ભૂતપૂર્વ વડા આલોક જોશીને ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. તેમાં કુલ 7 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતે NSA બોર્ડમાં સેના, નૌકાદળ અને વાયુસેનાના નિવૃત્ત અધિકારીઓનો સમાવેશ કર્યો છે.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ પછી ભારતે કડક વલણ અપનાવીને ઘણા મોટા નિર્ણયો લીધા છે. પાકિસ્તાન હવે ડરી ગયું છે. તેને લાગે છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. પાકિસ્તાને તાજેતરમાં યુએન અને રશિયા સાથે વાત કરી હતી.





















