રશિયા-યુક્રેન યુદ્ધમાં ત્રણ વર્ષમાં પહેલીવાર શાંતિની આશા: પુતિને યુદ્ધવિરામની કરી જાહેરાત, જાણો કેટલા દિવસ સુધી....
માનવતાના ધોરણે લેવાયેલો નિર્ણય, અમેરિકાના પ્રયાસો વચ્ચે પુતિનનું મોટું પગલું, યુક્રેન પર હુમલાઓ બાદ જાહેરાત.

Russia Ukraine ceasefire: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઇસ્ટરના તહેવાર નિમિત્તે ત્રણ દિવસીય યુદ્ધવિરામની જાહેરાત કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા આ સંઘર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો હોય.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે (૧૯ એપ્રિલ, ૨૦૨૫) આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ક્રેમલિનમાં એક બેઠક દરમિયાન, સુપ્રીમ કમાન્ડર-ઇન-ચીફ તરીકે પુતિને રશિયાના સશસ્ત્ર દળોના ચીફ ઑફ ધ જનરલ સ્ટાફ, વેલેરી ગેરાસિમોવ પાસેથી સંપર્કની લાઇન પરની પરિસ્થિતિ અંગેનો અહેવાલ સાંભળ્યો હતો. ત્યારબાદ તેમણે જાહેરાત કરી કે રશિયન પક્ષ ૧૯ એપ્રિલે સવારે ૦૬:૦૦ (મોસ્કો સમય) થી તમામ લશ્કરી કાર્યવાહી અટકાવી રહ્યું છે.
વ્લાદિમીર પુતિને ઇસ્ટરના તહેવારને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે આ યુદ્ધવિરામની જાહેરાત કરી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે યુક્રેન પણ આ જ રીતે યુદ્ધવિરામનું પાલન કરશે. જોકે, તેમણે ચેતવણી પણ આપી હતી કે રશિયન સૈનિકોને કોઈપણ સંભવિત જોખમ અંગે સતર્ક કરવામાં આવ્યા છે અને જો દુશ્મન (યુક્રેન) દ્વારા યુદ્ધવિરામના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો અમારા સૈનિકો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે.
પુતિન દ્વારા યુદ્ધવિરામની આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન સંઘર્ષને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં એવા અહેવાલો પણ હતા કે ટ્રમ્પ અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાટાઘાટોની ધીમી ગતિથી નારાજ છે અને તેમણે ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં કોઈ પરિણામ નહીં આવે તો અમેરિકા વાતચીતથી દૂર થઈ જશે.
નોંધનીય છે કે, પુતિનની આ જાહેરાત ગયા અઠવાડિયાની શરૂઆતમાં રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા કેટલાક ઝડપી અને ઘાતક હુમલાઓ બાદ આવી છે. રશિયાએ ઉત્તરીય યુક્રેનિયન શહેર સુમી પર બે બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો, જેમાં ૩૪ લોકો માર્યા ગયા હતા અને ૧૧૭ ઘાયલ થયા હતા. આ હુમલો આ વર્ષે રશિયા દ્વારા કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો હતો.
ત્રણ વર્ષ બાદ થયેલી આ યુદ્ધવિરામની જાહેરાત સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકો માટે એક મોટી રાહત લઈને આવી છે. ઇસ્ટરના પવિત્ર અવસર પર જાહેર કરાયેલો આ યુદ્ધવિરામ શું ભવિષ્યમાં શાંતિ વાટાઘાટો માટે કોઈ માર્ગ ખોલશે કે કેમ તે જોવું મહત્વપૂર્ણ રહેશે.





















