Russia : બળવા વચ્ચે રશિયાના અધિકારીએ કેમ અજીત ડોભાલને કર્યો ફોન?
રશિયાની સુરક્ષા પરિષદના સચિવ નિકોલાઈ પાત્રુશેવે બુધવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાથે વાત કરી હતી. નિકોલાઈએ ડોભાલને રશિયાના તાજા ઘટનાક્રમની જાણકારી આપી હતી.
Russia-India News : રશિયામાં વેગનર ગ્રુપના વિદ્રોહ બાદ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન રશિયાની સુરક્ષા પરિષદના સચિવ નિકોલાઈ પાત્રુશેવે બુધવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાથે વાત કરી હતી. નિકોલાઈએ ડોભાલને રશિયાના તાજા ઘટનાક્રમની જાણકારી આપી હતી.
ઘટનાઓ વિશે માહિતી
ભારત અને રશિયાના બે ટોચના અધિકારીઓ વચ્ચેની વાતચીત એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસો પહેલા રશિયાને એક ખાનગી સૈન્ય જૂથ વેગનર ગ્રુપના બળવાનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ સ્થિતિ માત્ર થોડા કલાકો જ રહી હતી. રશિયાના નિવેદન અનુસાર, પાત્રુશેવે ડોભાલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમને રશિયાના તાજેતરના ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. નિવેદન અનુસાર, દ્વિપક્ષીય અને બહુપક્ષીય ફોર્મેટના માળખામાં સુરક્ષા ક્ષેત્રમાં રશિયા-ભારત સહયોગથી સંબંધિત વર્તમાન મુદ્દાઓ અને તેને વધારે મજબુત બનાવવાની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત એન પાત્રુશેવે ડોભાલને રશિયાના વર્તમાન ઘટનાક્રમ વિશે વિગતે જણાવ્યું હતું. ઇન્ટરલોક્યુટર્સ ગોપનીય વાટાઘાટો ભવિષ્યમાં પણ યથાવત રાખવા સંમત થયા હતાં. જાહેર છે કે, યેવજેની પ્રિગોઝિનની આગેવાની હેઠળના વેગનર જૂથે ગયા શનિવારે બળવો કર્યો હતો અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને પડકાર ફેંક્યો હતો.
જો કે, જ્યારે યેવજેની પ્રિગોઝિનનીની સેના મોસ્કોથી માત્ર 200 કિલોમીટર (120 માઇલ) દૂર હતી, ત્યારે જ તેના લડવૈયાઓને પાછા વાળવા આદેશ આપ્યા હતાં. પ્રિગોઝિને અચાનક ક્રેમલિન સાથે સમજુતી કર્યા પછી દેશનિકાલમાં જવા અને પીછેહઠ કરવાનો ઇરાદો જાહેર કર્યો હતો.
વેગનરે પુતિનને આપ્યો હતો જબ્બર ઝાટકો
વેગનર ગ્રુપે પુતિનને ફરી એકવાર આંચકો આપ્યો છે. વેગનર ગ્રુપે યુક્રેન સામે યુદ્ધ લડવાનો ઈન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે પ્રિગોઝિનના નેતૃત્વમાં વેગનરના સૈનિકોએ ગયા અઠવાડિયે રશિયાના દક્ષિણી શહેર રોસ્ટોવ પર કબજો કર્યો હતો. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, પુતિનને હટાવી દેવામાં આવશે. ત્યારે પુતિને પોતે સ્પષ્ટતા આપવા આગળ આવવું પડ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, દેશદ્રોહીઓને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, ગત શનિવારે એક સમયે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૌથી ખાસ લોકોમાંના એક એવા યેવજેની પ્રિગોઝિને જ તેમની સામે મોરચો ખોલી દીધો હતો. વેગનર ગ્રુપના વડાએ પુતિનને સત્તા પરથી ઉથલાવી દેવાની ધમકી આપી હતી. જવાબમાં પુતિને વેગનર ગ્રુપને કચડી નાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. પુતિનના આ નિવેદન પર પ્રિગોઝિને કહ્યું હતું કે, રશિયન રાષ્ટ્રપતિએ તેમના ભાષણ દરમિયાન ખોટો વિકલ્પ પસંદ કર્યો અને દેશને ટૂંક સમયમાં જ નવા રાષ્ટ્રપતિ મળશે.