(Source: ECI/ABP News/ABP Majha)
Russia Ukraine War: યુક્રેનનો મોટો દાવોઃ 12 હજાર રશિયન સૈનિકોને માર્યા, 303 ટેન્ક તબાહ કરી, 48 એરક્રાફ્ટ અને 80 હેલિકોપ્ટર્સ તોડી પાડ્યા
Russia Ukraine Crisis: યુક્રેન દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, 24 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધીમાં તેણે 12,000 રશિયન સૈનિકોને માર્યા છે. જ્યારે 303 ટેન્ક નષ્ટ કરી છે.
Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. 13 દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં સેંકડો લોકો માર્યા ગયા છે અને ઘણી શાળાઓ અને હોસ્પિટલો નાશ પામી છે. યુક્રેનનો દાવો છે કે તેણે રશિયન સેનાને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે.
યુક્રેને શું કર્યો દાવો
યુક્રેન દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, 24 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધીમાં તેણે 12,000 રશિયન સૈનિકોને માર્યા છે. જ્યારે 303 ટેન્ક નષ્ટ કરી છે. જ્યારે 1036 હથિયારધારી વાહનોને પણ ઉડાવી દેવામાં આવ્યા છે. યુક્રેનના દાવા મુજબ, અત્યાર સુધીમાં તેણે યુદ્ધમાં 120 આર્ટિલરી સિસ્ટમ, 56 MLRS, 27 એર ડિફેન્સ સિસ્ટમ, 48 એરક્રાફ્ટ, 80 હેલિકોપ્ટર, 474 ઓટોમોટિવ ટેક્નોલોજી અને 3 જહાજ/નૌકાઓને નષ્ટ કરી છે.
રશિયન વિમાનોએ સોમવારે રાત્રે પૂર્વ અને મધ્ય યુક્રેનના શહેરો પર બોમ્બ ફેંક્યા. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે રાજધાની કિવના ઉપનગરોમાં પણ ગોળીબાર થયો હતો. દિમિત્રો ઝિવિત્સ્કીએ જણાવ્યું હતું કે રશિયન સરહદ નજીક કિવની પૂર્વમાં સુમી અને ઓખ્તિરકા શહેરોમાં રહેણાંક ઇમારતો અને પરમાણુ પ્લાન્ટનો નાશ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે કેટલાક લોકોના મોત થયા છે અને કેટલાક ઘાયલ થયા છે. કિવની પશ્ચિમે આવેલા ઝાયટોમીર અને પડોશી શહેર ચેર્ન્યાખિવમાં તેલના ડેપો પર પણ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. બુચાના કિવ ઉપનગરમાં મેયરે કહ્યું કે ભારે તોપમારો થયો છે. મેયર અનાટોલ ફેડોરુકે જણાવ્યું હતું કે, "ભારે હથિયારો સાથે દિવસ-રાતના ગોળીબારના કારણે અમે મૃતદેહો પણ એકત્ર કરી શક્યા નથી. શહેરના રસ્તાઓ પર કૂતરાઓ મૃતદેહોને ચૂંથી રહ્યા છે."
યુક્રેનિયન સરકાર હ્યુમન કોરિડોર ખોલવા માટે હાકલ કરી રહી છે જેથી લોકોને સુમી, ઝાયટોમીર, ખાર્કીવ, મેરીયુપોલ અને બુચા સહિતના કિવના ઉપનગરોમાંથી સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી મળે.