(Source: ECI/ABP News/ABP Majha)
Serbia Shooting : સર્બિયાની શાળામાં ધો. 7ના વિદ્યાર્થીનો ધાણીફુટ ગોળીબાર, 9ના મોત
મૃતકોમાં આઠ વિદ્યાર્થીઓ અને એક સુરક્ષા ગાર્ડ હોવાનું કહેવાય છે. આ સિવાય ઘણા લોકો ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
Serbia School Shooting: દક્ષિણ-પૂર્વ યુરોપના દેશ સર્બિયામાં ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. અહીંની એક શાળામાં ગોળીબાર થયો હતો, જેમાં લગભગ 9 લોકોના મોત થયા હતા. મૃતકોમાં આઠ વિદ્યાર્થીઓ અને એક સુરક્ષા ગાર્ડ હોવાનું કહેવાય છે. આ સિવાય ઘણા લોકો ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ગોળીબાર 7મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે.
સર્બિયાના ગૃહ મંત્રાલયે આ ઘટના અંગે માહિતી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, ફાયરિંગની જાણ થતાં જ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને સંભાળવાનું શરૂ કર્યું હતું. મળતી માહિતી મુજબ હુમલામાં 6 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક પણ ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
રાજધાની બેલગ્રેડની શાળામાં ફાયરિંગ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેલગ્રેડની વ્લાદિસ્લાવ રિબનીકર સ્કૂલમાં આજે સવારે બુધવારના રોજ ગોળીબાર થયો હતો. જ્યાં અનેક વિદ્યાર્થીઓ પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ મામલામાં 14 વર્ષીય વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી છે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, શંકાસ્પદ વ્યક્તિ પર તેના પિતાની બંદૂકનો ઉપયોગ કરવાનો આરોપ છે. ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
સગીર છોકરાએ ગોળી ચલાવી હતી!
ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્કૂલમાં ગોળીબારની માહિતી મળતાં જ એક પોલીસ પેટ્રોલિંગ તુરંત જ ત્યાં પહોંચી ગયું હતું. સ્થળ પર જ એક શંકાસ્પદ સગીરને પકડી લેવામાં આવ્યો હતો. આ નિવેદનના થોડા જ સમય બાદ પોલીસ અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પકડાયેલો સગીર છોકરો સાતમા ધોરણનો વિદ્યાર્થી છે, જાણવા મળ્યું છે કે તેણે તેના પિતાની બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હતું.
જોકે, પોલીસે વ્લાદિસ્લાવ રિબનીકર સ્કૂલની આસપાસના બ્લોકને સીલ કરી દીધા છે. સર્બિયામાં જીવલેણ ગોળીબારની આ ઘટના ચોંકાવનારી છે કારણ કે, આ સદીમાં આટલા મોટા પાયે ક્યારેય હિંસા થઈ નથી.
બેલગ્રેડ 'વ્હાઈટ સિટી' તરીકે ઓળખાય છે
રાજધાની હોવા ઉપરાંત, બેલગ્રેડ સર્બિયાનું સૌથી મોટું શહેર પણ છે. તે સાવા અને ડેન્યુબ નદીઓના સંગમ પર અને પેનોનિયન મેદાન અને બાલ્કન દ્વીપકલ્પ વચ્ચે આવેલું છે. અહીં શહેરી વિસ્તારની વસ્તી 12 લાખ છે, જ્યારે કુલ વસ્તી 17 લાખની આસપાસ છે. તે સૌથી શાંત અને સુંદર શહેરોમાંનું એક છે.