Sikh Brothers Murdered in Pakistan: પાકિસ્તાનના પેશાવરમાં નિશાન પર શીખ સમુદાય, બે ભાઈઓની ગોળી મારી હત્યા
કુલજીત સિંહ અને રણજીત સિંહને હુમલાખોરોએ ગોળી મારી હતી. બંને ભાઈઓ કરિયાણાની દુકાન ચલાવતા હતા. બંનેના મોત થયા છે.
Sikh Brothers Murdered: પાકિસ્તાનના પેશાવરના બડા વિસ્તારમાં બે શીખ ભાઈઓને ગોળી મારી દેવામાં આવી હતી. કુલજીત સિંહ અને રણજીત સિંહને હુમલાખોરોએ ગોળી મારી હતી. બંને ભાઈઓ કરિયાણાની દુકાન ચલાવતા હતા. બંનેના મોત થયા છે.
ઘટના શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાનો પ્રયાસઃ સીએમ
ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી મહેમૂદ ખાને આ ઘટનાની નોંધ લીધી છે. તેમણે પોલીસ મહાનિરીક્ષકને આરોપીઓની તાત્કાલિક ધરપકડ માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ ખાને કહ્યું કે આ ઘટના અત્યંત નિંદનીય અને દુઃખદ છે અને આ જઘન્ય હત્યામાં સામેલ તત્વો કાયદાની ચુંગાલમાંથી છટકી શકે તેમ નથી. તેમણે પીડિત પરિવારોને ન્યાય અપાવવાનો સંકલ્પ કર્યો. સીએમના કહેવા પ્રમાણે, આ ઘટના શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાનો પ્રયાસ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રાંત સરકાર આવા પ્રયાસોને સફળ થવા દેશે નહીં.
આઠ મહિનામાં શીખ સમુદાય પર બીજો હુમલો
છેલ્લા આઠ મહિનામાં પેશાવરમાં શીખ સમુદાય પર આ પ્રકારનો બીજો હુમલો છે. અગાઉ સપ્ટેમ્બર 2021માં એક શીખ 'હાકિમ' સરદાર સતનામ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાની જવાબદારી ISIS શાખા, ISKP દ્વારા લેવામાં આવી હતી. 45 વર્ષીય સતનામ સિંહ છેલ્લા 20 વર્ષથી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં રહેતો હતો. તે શહેરના ચારસદ્દા રોડ પર પોતાનું ક્લિનિક 'ધર્મંદર ફાર્મસી' ચલાવતો હતો.
છેલ્લા કેટલાક વર્ષોમાં શીખ સમુદાય પર વધ્યા હુમલા
વર્ષ 2020માં 25 વર્ષીય શીખ રવિન્દર સિંહની પાકિસ્તાનના પેશાવરમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરી હતી. લાહોરના ગુરુદ્વારા નનકાના સાહિબ પર ટોળાએ હુમલો કર્યાના એક દિવસ પછી રવિન્દર સિંહનું મૃત્યુ થયું હતું, જ્યાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવનો જન્મ થયો હતો. અગાઉ 2018માં શીખ સમુદાયના જાણીતા સભ્ય ચરણજીત સિંહની પેશાવરમાં અજાણ્યા લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. એ જ રીતે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ નેશનલ એસેમ્બલીના સભ્ય સોરેન સિંહની 2016માં પેશાવરમાં હત્યા કરવામાં આવી હતી.
પેશાવરમાં લગભગ 15,000 શીખો રહે છે. પેશાવરમાં શીખ સમુદાયના મોટાભાગના સભ્યો વ્યવસાય સાથે સંકળાયેલા છે, જ્યારે કેટલાક ફાર્મસી ચલાવે છે.