ISIS Chief Dead: માર્યો ગયો ISISનો પ્રમુખ અબુ હુસૈન અલ કુરેશી, તુર્કીના ગુપ્તચર દળોએ સીરિયામાં ઘૂસીને આતંકીને કર્યો ઠાર
ISIS Chief Killed: તુર્કીના સૈન્ય દળોએ સીરિયાની અંદર એક મુખ્ય ગુપ્તચર મિશન હાથ ધરતા ISISના ચીફ અબુ હુસૈન અલ-કુરેશીને ઠાર કર્યો છે.
ISIS Chief Abu Hussein al-Qurashi Dead: તુર્કીના લશ્કરી દળોએ ઇસ્લામિક સ્ટેટના વડા અબુ હુસૈન અલ-કુરેશીને મારી નાખ્યો છે. તુર્કીએ સીરિયાની સરહદમાં ઘૂસીને આ કાર્યવાહી કરી છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને રવિવારે (30 એપ્રિલ) આ માહિતી આપી હતી. એર્દોગને કહ્યું કે ગુપ્તચર એજન્સીઓ લાંબા સમયથી ISIS ચીફને ફોલો કરી રહી હતી. એર્દોગને ટર્કિશ બ્રોડકાસ્ટર ટીઆરટીને જણાવ્યું હતું કે તુર્કીના નેશનલ ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં અલ-કુરેશી સીરિયાની અંદર માર્યો ગયો હતો.
નવેમ્બરમાં કમાન સંભાળી હતી
અબુ હુસૈન અલ-હુસૈની અલ-કુરૈશી અબુ હુસૈન અલ-કુરૈશી તરીકે જાણીતો હતો. દક્ષિણ સીરિયામાં એક ઓપરેશનમાં અગાઉના ઇસ્લામિક સ્ટેટ નેતા માર્યા ગયા પછી આઇએસે નવેમ્બર 2022માં અલ-કુરેશીને તેના વડા તરીકે પસંદ કર્યો હતો. હવે છ મહિનામાં જ વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠનના વડાનો અંત આવ્યો છે. સીરિયન સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર તુર્કી સૈન્ય દળોની આ કાર્યવાહી ઉત્તરી સીરિયાના જંદરી શહેરમાં થઈ હતી. આ શહેર તુર્કી સમર્થિત બળવાખોર જૂથો પાસે છે. 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં આવેલા તીવ્ર ભૂકંપમાં આ શહેર ખરાબ રીતે પ્રભાવિત થયું હતું.
મધ્યરાત્રિએ કાર્યવાહી શરૂ થઈ
સીરિયન નેશનલ આર્મીએ હજુ સુધી આ કાર્યવાહી અંગે કોઈ નિવેદન આપ્યું નથી. એક સ્થાનિક રહેવાસીએ એએફપીને જણાવ્યું કે શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે કાર્યવાહી શરૂ થઇ હતી. આ દરમિયાન એક કલાક સુધી ભારે ગોળીબાર થયો અને જોરદાર વિસ્ફોટ સંભળાયો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો જેથી ત્યાં કોઈ ન આવી શકે.
એક સમયે ચાલતી હતી ઇસ્લામિક સ્ટેટની ખિલાફત
ઈસ્લામિક સ્ટેટે 2014માં ખૂબ જ ઝડપથી પોતાનો પ્રભાવ ફેલાવ્યો અને તેણે ઈરાક અને સીરિયાના વિશાળ વિસ્તારો પર કબજો કર્યો. તે સમયે તેના વડા અબુ બકર અલ-બગદાદીએ સમગ્ર વિસ્તારમાં ઈસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી.ત્યારબાદ સીરિયા અને ઇરાકમાં યુએસ સમર્થિત દળો તેમજ ઈરાન, રશિયા અને વિવિધ અર્ધલશ્કરી દળો દ્વારા સમર્થિત સીરિયન દળો દ્વારા કરવામાં આવેલી કામગીરીને કારણે ISએ પ્રદેશ પરની તેની પકડ ગુમાવી દીધી હતી. તેના હજારો લડવૈયાઓ તાજેતરના વર્ષોમાં મોટા ભાગના સમયથી છુપાઈને જીવે છે. જો કે, તેઓ હજુ પણ મોટા ગેરિલા હુમલાઓ કરવા સક્ષમ છે.